ગુજરાતમાં આ વખતની ચૂંટણી ભાજપ માટે માથાનો દુઃખાવો બની છે અને એકપછી એક વિવાદ શરૂ થઈ ગયા છે.
લોકસભાની ચૂંટણી દરમિયાન ટીકીટ મુદ્દે શરૂઆત વડોદરાથી થઈ.

વડોદરાથી ભાજપે હાલનાં સાંસદ રંજનબહેન ભટ્ટને ટિકિટ આપી અને વડોદરાનાં પૂર્વ મેયર અને પાર્ટીનાં વરિષ્ઠ નેતા જ્યોતિબહેન પંડ્યાએ વિરોધ કર્યો.

ત્યારબાદ વિવાદ વકરતા ગઈ તા.23 માર્ચે રંજન બેને પોતાના ઍક્સ હૅન્ડલ પર લખ્યું હતું કે, “હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું.”
આમ તેઓ જાતે જ દૂર થઈ ગયા.
આવુજ કઈક સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે કર્યું તેઓએ ફેસબુક પર કંઈક આવા જ શબ્દોમાં અંગત કારણોસર ચૂંટણી લડવાની ના પાડી હતી. જોકે, તેમણે થોડીવારમાં એ પોસ્ટ ડિલીટ કરી નાખી પણ અહીં વિવાદ યથાવત રહ્યો અને
હવે આ બંને ઉમેદવારો ભાજપ તરફથી ચૂંટણી નહીં લડે.
તેમના બદલે વડોદરાથી ડૉ. હેમાંગ જોશી અને સાબરકાંઠાથી શોભનાબહેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. જોકે, આ ઘટનાઓથી ભાજપમાં આંતરિક વિખવાદ શરૂ થયો અને હવે પુરુસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે બફાટ કરી નાખ્યો તેમાં ભાજપ હવે બરાબરનું ભેરવાયું છે હજુ તો આ બધું ચાલુ જ છે ત્યાં સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ શરૂ થયો અને તે વિરોધ હવે ભાવનગર સુધી પહોંચી ગયો છે હવે ભાવનગરમાં પણ ઉમેદવાર સામે અસંતોષ જોવા મળી રહ્યો છે આમ,ભાજપ માટે બાર સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ સર્જાયો છે.
આવા સમયે ભાજપે દરેક બેઠક પાંચ લાખથી વધુની લીડથી જીતવાનું જે લક્ષ્યાંક રાખ્યું છે તેની સામે હવે સવાલો ઉઠવા પામ્યા છે, કારણ કે આ વખતે જાતિના સમીકરણનું ફેક્ટર ભાજપ માટે નવી મુસીબત બન્યું છે.

સુરેન્દ્રનગરની વાત કરવામાં આવેતો અહીં ચુવાળિયા કોળીને ભાજપે ટિકિટ આપતા તળપદા સમાજે વિરોધ શરૂ કર્યો છે અને સુરેન્દ્રનગરનો વિવાદ હજુ ચાલુ જ છે ત્યારે ભાવનગરમાં પણ ઉમેદવાર મુદ્દે વિરોધ શરૂ થઈ ગયો છે.

સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરાનો વિરોધ થયા બાદ હવે ભાવનગરમાં પણ ચુવાળિયા કોળી સમાજ આગળ આવ્યો છે.
શિહોરમાં કોળી સમાજનું સંમેલન યોજાયું અને તેમા સમાજના આગેવાનોએ એક સુરે નક્કી કર્યું કે તેઓ પણ તળપદા ઉમેદવાર સામે ચૂંટણી લડશે.

ચુવાળિયા કોળી સમાજે શિહોર ખાતે બેઠકમાં એલાન કર્યું કે સુરેન્દ્રનગરમાં જેવી રીતે ચુવાળિયા સમાજના ઉમેદવાર સામે તળપદા સમાજના લોકો પોતાનો ઉમેદવાર ઉતારવા વિચારી રહ્યા છે.તેમ હવે ચુવાળિયા કોળી સમાજ પણ ભાવનગરમાં પોતાનો ઉમેદવાર ઉતારશે.
તળપદા સમાજમાંથી આવતા ભાજપના નીમુ બાંભણિયા સામે ચુવાળિયા સમાજ પોતાના ઉમેદવારને ચૂંટણી લડાવશે.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ અગાઉથી જ અહીં કોળી ઉમેદવારને ટીકીટ આપી છે આવા સંજોગોમાં કોળી મતોનું વિભાજન થતા ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે..

ભાવનગર બેઠકના જાતિગત મતોની વાત કરવામાં આવેતો ભાવનગરમાં સૌથી વધુ 6 લાખ કોળી મતદારો છે. જ્યારે સવા ત્રણ લાખ પાટીદાર મતદારો છે,ક્ષત્રિય મતદારોની સંખ્યા અઢી લાખ કરતા વધુ છે. ઉપરાંત ચુવાળિયા કોળી સમાજના 2 લાખ જેટલા મતદારો છે. જ્યારે બ્રાહ્મણ સમાજના 2 લાખ જેટલા મતદારો છે.

ભાવનગરની બેઠક સતત સાત ટર્મથી ભાજપના જીતતું આવ્યું છે. પરંતુ આ વખતે ભાજપ માટે મુસીબત સાબિત થઈ શકે છે. કેમકે આ બેઠક એક તરફ કોળી સમાજમાં નારાજગી છે તો બીજી તરફ પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં પણ રોષ છે અને ભાવનગર બેઠક પર અઢી લાખ ક્ષત્રિય મતદારો છે. એવી સ્થિતિમાં રૂપાલા સામેની નારાજગી શાંત નહીં થાય તો ભાવનગર બેઠક પર ભાજપને નુકશાન થઈ શકે છે.

આમ રાજ્યમાં જાતિવાદના વમળ અને વિરોધના વંટોળમાં અટવાયેલું ભાજપ હવે કેવી રણનીતિ અપનાવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

ભાજપ શિસ્તબદ્ધ અને કૅડર બેઝ પાર્ટી હોવાની છાપ છે અને ભાજપમાં જ્યારે ઉમેદવારોની પસંદગી થાય છે ત્યારે હાઈ કમાન્ડનો નિર્ણય આખરી ગણાય છે પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે અને લોકસભાની ચૂંટણી અગાઉ જે સ્થિતિ ઉભી થઇ છે તે ભાજપ કઈ રીતે હેન્ડલ કરશે તે સામે રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.