ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શને જતા ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવી રહયા છે, હવે ડુંગર ઉપર છેક માતાજીના મંદિર સુધી રોપ-વેને લંબાવવાની કેન્દ્ર સરકારની મંજૂરી મળતા હવે સ્થાનિક સ્તરેથી મંજૂરની રાહ જોવાઈ રહી છે જે મળતાજ કામ શરૂ થશે.
યાત્રાધામ પાવાગઢ મંદિરે આમ તો રોપ-વે સુવિધા છે પણ તે માત્ર દુધિયા તળાવ સુધીજ સિમિત છે અને દૂધિયા તળાવથી માં કાળીના દર્શન કરવા ડુંગરની ટોચ ઉપર આવેલા નિજ મંદિર સુધી પહોંચવા માટે 400થી વધુ પગથિયા ચડવાના રહે છે જે વૃદ્ધો અને અશક્ત કે બિમાર ભક્તો ચડી શકવા માટે અસમર્થ રહેતા હોય તેઓ દુધિયા તળાવ સુધી આવી બાંકડે બેસી ત્યાંથીજ દૂરથી દર્શન કરી લેતા હોય છે અને પોતાના પરિવારના સભ્યો જ્યાં સુધી ડુંગર પરથી પરત ન આવે ત્યાં સુધી ત્યાં બેસતા હોય છે અને ડુંગર ઉપરથી માતાજીના દર્શન કરી પરત આવી જાય પછી ફરી બધા ત્યાંથી રોપવે મારફતે નીચે આવે છે, આવા સંજોગો માં જો હવે છેક ઉપર નિજ મંદિર સુધી રોપ-વે બનશે તો તમામ ઉંમરના લોકો સરળતાથી માતાજીના દર્શન કરી શકશે. 
કેન્દ્ર સરકારની નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીએ પાવાગઢમાં રોપ-વેને મંદિર સુધી લંબાવવા માટેની મંજૂરી આપી દીધી છે.

આ પછી એક જોઇન્ટ મોનિટરિંગ સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિએ સ્થળ તપાસ તાજેતરમા કરી લીધી છે અને રોપ-વેને લંબાવવાની મંજૂરી આપી દેતા બે તબક્કામાં આગામી બે મહિનામાં રોપ-વેની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે.