મેલબોર્નના જૈન પરિવારોની આતુરતાનો અંત 9 વર્ષ બાદ આવશે, Moorabbin ખાતેના જિનાલયના પાયાનું કાર્ય પૂર્ણ, અલ્ટ્રા મોડર્ન ફેસિલિટી અને પરંપરાગત જિનાલયું થઇ રહ્યું છે નિર્માણ

 Melbourne, Jain Temple, Jinalay, Derasar, MSJS, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા, જૈન દેરાસર,
pic courtesy- MSJS

કેતન જોષી. નમસ્કાર ગુજરાત ન્યુઝ .
છેલ્લા સાત વર્ષથી મેલબોર્ન અને ઓસ્ટ્રેલિયાના જૈન પરિવારના સભ્યો જેની રાહ જોઇ રહ્યા હતા તે મુરાબ્બીન ખાતેનું જૈન દેરાસર 2024માં બનીને તૈયાર થઇ જશે. બરાબર સાત વર્ષ પહેલા 17 ઓગસ્ટ 2015ના દિવસે જૈન દેરાસર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો અને હવે સમાચાર મળી રહ્યા છે કે 2024માં શિખરબદ્ધ જિનાલય બનીને તૈયાર થઇ જશે. આ માટે રાજસ્થાનથી ખાસ આરસપહાણનો પણ જિનાલયના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવશે.

મેલબોર્ન શ્વેતાંબર જૈન સંઘ દ્વારા સમગ્ર પ્રોજેક્ટને હાથ ધરવામાં આવ્યો હતો અને એક શિખબદ્ધ જિનાલયનું સપનું મેલબોર્નમાં રહેતા અંદાજે 500 જૈન પરિવારોએ સેવ્યું હતું. દેવ, ગુરુ અને ધર્મના શાશ્વત આશીર્વાદ સાથે, MSJS સેન્ટર અને શિખરબંધી જિનાલય બનાવવા કટિબદ્ધ બન્યું હતું. તે પાછળ સંઘનો આશય હતો કે આ કેન્દ્ર એવા સ્થાન તરીકે સેવા આપશે જ્યાં સમુદાયની વર્તમાન અને ભાવિ પેઢીઓ દેવત્વ અને સચ્ચાઈના માર્ગ પર માર્ગદર્શક પ્રકાશ મેળવી શકશે. છેલ્લા કેટલાક સમયથી જૈન પરિવારો વર્તમાન ગૃહ જિનાલયનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સમય આવી ગયો છે કે આગામી બે વર્ષમાં જ પરિવારો નવા દેરાસરમાં પૂજા અર્ચના કરતા જોવા મળશે. નોંધનીય છે કે આ દેરાસરની ડિઝાઈન ગુજરાતમાં આવેલા પરંપરાગત નાગરા સ્ટાઈલના દેરાસરને મળતી આવે છે.

શું શું હશે જૈન દેરાસરની સાથે ?
જૈન દેરાસરની સાથે મેલબોર્ન શ્વેતાંબર જૈન સંઘ દ્વારા 400 લોકો એકસાથે બેસી શકે તેવા હોલની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે કોમર્સિયલ કિચન અને અલગ હોલનું પણ નિર્માણ કરાશે. જેમાં અંદાજે 200 લોકો એકસાથે ભોજન લઇ શકશે. આ ઉપરાંત ઓફિસ, લાઇબ્રેરી, સ્ટોરેજ, તથા વોશ રૂમ એરિયા પણ બનાવવામાં આવશે. આ તમામ વિશેષતાઓ ગ્રાઉન્ડ ફ્લોર પર નિર્માણ પામશે જ્યારે પ્રથમ માળે પર્યૂષણ દરમિયાન તપોવન વીર સૈનિકો માટે બે મોટા અલગ અલગ રૂમ બનાવાશે તથા પાઠશાળા સત્ર માટે 200 લોકોની વ્યવસ્થા સાથેના હોલનું નિર્માણ કરવામાં આવશે.

જૈન દેરાસર પ્રોજેક્ટનો ઘટનાક્રમ

  1. નવેમ્બર 2015 – અમારું પોતાનું કેન્દ્ર અને શિખરબદ્ધ દેરાસર રાખવા માટે સમુદાય પરામર્શ
  2. ઓક્ટોબર 2016- યોગ્ય સ્થાન માટે શોધ શરૂ કરી
  3. ઓગસ્ટ 2017- ખરીદી માટે મૂરબ્બીન મેસોનિક સેન્ટર સાથે ચર્ચા શરૂ કરી
  4. ઓગસ્ટ 2017 – મૂરબ્બીન મેસોનિક સેન્ટરની ખરીદી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા
  5. ડિસેમ્બર 2017 – શિખરબંધ જિનાલય બાંધવા અને હાલના કેન્દ્રમાં ફેરફાર કરવા માટે ટાઉન પ્લાનિંગ એપ્લિકેશન કરાઇ
  6. મે 2018- જમીન સંપાદન

જૈન દેરાસર કેવું હશે ?
જિનાલયની ઉંચાઇ અને લંબાઇ માટે ખાસ પરમાર્શ કરવામાં આવ્યો છે અને ગુજરાતમાં આવેલા પરંપરાગત નાગરા સ્ટાઇલના દેરાસરની માફક જ તેનું નિર્માણ કરાશે. જિનાલયને અંદાજે 4000 સ્ક્વેર ફૂટ વિસ્તારમમાં ઉંચાઇ 45 ફૂટ તથા લંબાઇ 73 ફૂટ સાથે બનાવવામાં આવશે. જોકે સમગ્ર મંદિર માટે આરસપહાણના પથ્થરોને રાજસ્થાનથી મંગાવવામાં આવશે.