દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યાની પણ ટી-20 ટીમમાં વાપસી
BCCIએ રવિવારે દક્ષિણ આફ્રિકા સામે 9 જૂનથી રમાનારી પાંચ મેચની T20I શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ટી-20 સિરીઝ માટે કેએલ રાહુલને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તે જ સમયે, IPL 2022માં પોતાની સ્પીડથી સનસનાટી મચાવનાર ફાસ્ટ બોલર ઉમરાન મલિકને પણ T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઉમરાનને પ્રથમ વખત રાષ્ટ્રીય ટીમમાં તક આપવામાં આવી છે.
ઉમરાન મલિકે ચાલુ સિઝનમાં 13 મેચમાં 21 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે 5 વિકેટ પણ લીધી છે. તેમના સિવાય રવિ બિશ્નોઈ અને અર્શદીપ સિંહની પણ ટી-20 ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જ્યારે દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યાની પણ ટી-20 ટીમમાં વાપસી થઈ છે. ભારતે દક્ષિણ આફ્રિકા સામે 9 જૂને દિલ્હીમાં પ્રથમ ટી20, બીજી 12 જૂને કટકમાં, ત્રીજી 14 જૂને વિશાખાપટ્ટનમમાં, ચોથી 17 જૂને રાજકોટમાં અને પાંચમી અને અંતિમ ટી20 મેચ 19 જૂને બેંગલુરુમાં રમવાની છે.
દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણી માટેની ભારતીય ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક