IPLની કમાણી મર્સિડીઝમાં સમાણી, અય્યરને SUVનો ભારે શોખ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કેપ્ટન શ્રેયસ અય્યરે એક લક્ઝુરિયસ Mercedes-AMG G 63 4matic SUV ખરીદી છે. ઐય્યરની એસયુવી ખરીદતી તસવીરો મુંબઈના એક કાર વેચનાર દ્વારા શેર કરવામાં આવી છે. આ મર્સિડીઝની કિંમત 2.45 કરોડ રૂપિયા છે.

શું છે આ કારની ખાસિયત ?
Mercedes-AMG G 63 4MATIC એ G-વેગન શ્રેણીની ટોચની આવૃત્તિ છે અને AMG 4.0-લિટર V8 બિટર્બો એન્જિન દ્વારા સંચાલિત છે. તેનું આઉટપુટ 430 kW (585 HP) અને પીક ટોર્ક 850 Nm છે. તેની સ્પીડની વાત કરીએ તો આ SUV માત્ર 4.5 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ પકડી લે છે. લેન્ડમાર્ક કાર્સ મુંબઈએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાં લખ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યરને નવી મર્સિડીઝ બેન્ઝ જી63 ખરીદવા બદલ અભિનંદન. સ્ટાર પરિવારમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તમને આ સ્ટાર સાથે રમવાનો એટલો જ આનંદ થશે જેટલો અમને તમારી કવર ડ્રાઇવ જોવાનો આનંદ આવે છે.

KKRએ કેટલામાં ખરીદ્યો હતો અય્યરને ?
શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ આઈપીએલ 2022માં KKRનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું અને તે પ્લેઓફમાં પહોંચી શક્યું ન હતું. મેગા ઓક્શનમાં KKRએ શ્રેયસ અય્યરને 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શ્રેયસ અય્યરે IPL 2022માં 14 મેચોમાં 30.84ની એવરેજથી 401 રન બનાવ્યા, જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. શ્રેયસ અય્યર છેલ્લી સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો.

27 વર્ષીય ખેલાડીએ અત્યાર સુધી 101 IPL મેચોમાં ભાગ લીધો છે અને તેણે 31.55ની એવરેજ અને 125.38ના સ્ટ્રાઈક રેટથી 2776 રન બનાવ્યા છે. અય્યરે તેની આઈપીએલ કારકિર્દીમાં અત્યાર સુધી 19 અર્ધસદી ફટકારી છે. શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 4 ટેસ્ટ, 26 ODI અને 36 T20 ઈન્ટરનેશનલ મેચોમાં ભાગ લીધો છે. તે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં રમતા જોવા મળશે.