અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય, ભારત 9 વિકેટે 237 રન, વેસ્ટ ઇન્ડીઝ 193 રન, પ્રસિદ્ધ ક્રિષ્નાની કરિયર બેસ્ટ બોલિંગ, 12 રનમાં ઝડપી 4 વિકેટ
કેતન જોશી. નમસ્કાર ગુજરાત ન્યૂઝ અમદાવાદ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બુધવારે રમાયેલી બીજી વનડેમાં ભારતે 44 રને જીત મેળવી હતી. આ સાથે જ રોહિત શર્માની ODI ક્રિકેટમાં ફુલ ટાઈમ કેપ્ટનશિપની શરૂઆત શ્રેણી જીત સાથે થઈ છે. ટીમ ઈન્ડિયા હવે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0થી આગળ છે અને અંતિમ વન-ડે 11 ફેબ્રુઆરીએ રમાશે.
પ્રસિદ્ધની પાવરફુલ બોલિંગ
માત્ર 238 રનનો બચાવ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને તેના બોલરોએ બચાવી લીધી હતી. ફાસ્ટ બોલર પ્રખ્યાત કૃષ્ણાએ સમગ્ર મેચ દરમિયાન શાનદાર બોલિંગ કરી અને વેસ્ટ ઈન્ડિઝના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો. કૃષ્ણાએ તેની પ્રથમ બે ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાની જબરદસ્ત બોલિંગના જોરે વેસ્ટ ઈન્ડિઝે પોતાની અડધી ટીમ માત્ર 76 રનમાં આઉટ કરી દીધી હતી.
વર્ષ | પરિણામ | સિરીઝ |
2006-07 | ભારત 3-1થી જીત્યું | (4 મેચ) |
2011-12 | ભારત 4-1થી જીત્યું | (5 મેચ) |
2013-14 | ભારત 2-1થી જીત્યું | (3 મેચ) |
2014-15 | ભારત 2-1થી જીત્યું | (5 મેચ) |
2018-19 | ભારત 3-1થી જીત્યું | (5 મેચ) |
2019-20 | ભારત 2-1થી જીત્યું | (3 મેચ) |
2021-22 | ભારત 2-0થી આગળ | (3 મેચ) |
કિશનના સ્થાને રાહુલ અને પંતને ઓપનિંગમાં ઉતારવાનો અખતરો
આ પહેલા ભારતીય ટીમે ટીમને વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતને પ્રથમ બેટિંગમાં ઉતારી હતી. ભારતે આજે ટીમમાં એક બદલાવ કર્યો હતો જેમાં કેએલ રાહુલને ઇશાન કિશનના સ્થાને ટીમ ઇલેવનમાં સમાવેશ કર્યો હતો. તો બીજીતરફ રિષભ પંતને ઓપનિંગમાં ઉતારવાનો પણ અખતરો ટીમ ઇન્ડિયાએ કર્યો હતો. ભારતે 50 ઓવરના અંતે 9 વિકેટે 237 રન નોંધાવ્યા હતા.
ટોપ ઓર્ડર ફેઇલ, સૂર્યકુમાર હીટ
રોહિત શર્મા અને રિષભ પંતની ઓપનિંગ જોડીએ ઓપનિંગ વિકેટ માટેની શરૂઆત ફ્લોપ કરી હતી. રોહિત કોઇ ખાસ કમાલ કરે તે પહેલા જ કેમાર રોચનો શિકાર બન્યો હતો જ્યારે રિષભ પંત અને વિરાટ કોહલી પણ મોટો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહ્યા હતા. કોહલી અને પંતે 18-18 રન નોંધાવ્યા હતા. ભારત 12 ઓવરના અંતે 3 વિકેટે 43 રન નોંધાવી શક્યું હતું. જોકે સુર્યકુમાર યાદવે 64 રનની ઇનિંગ્સ રમીને ટીમ ઇન્ડિયાને સંભાળી લીધી હતી. સુર્યા અને કેએલ રાહુલે ચોથી વિકેટ માટે 91 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ બંને વચ્ચે એક મિસ અન્ડરસ્ટેન્ડિંગને પગલે રાહુલ રન આઉટ થયો હતો. રાહુલે 49 રન નોંધાવ્યા હતા.
લોઅર મીડલ ઓર્ડર અને પૂંછડિયા ખેલાડીઓ ફ્લોપ
સૂર્યકુમાર અને રાહુલના આઉટ થયા બાદ ભારતીય ખેલાડીઓ મોટી ભાગીદારી નોંધાવવામાં નિષ્ફળ રહ્યા હતા. લોઅર મીડલ ઓર્ડરમાં વોશિંગ્ટન સુંદર 24, દીપક હુડ્ડા 29 રનને બાદ કરતા તમામ ખેલાડીઓ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. શાર્દુલ 8, સિરાજ 3 અને યુઝવેન્દ્ર 11 રને અણનમ રહ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી અલ્ઝારી જોસેફે અને ઓડીન સ્મિથે 2-2 વિકેટ ઝડપી હતી.