આશ્ચર્ય એ વાતનું છે કે કેરેલા હાઇકૉર્ટમાં વકીલે હડીથને પુરાવા તરીકે ધરીને હિજાબની તરફેણ કરી અને કૉર્ટે સાંભળી પણ ખરાં! જો કુરાનમાં લખાયેલાં વાક્યને આધારભૂત ગણીને હિજાબની તરફેણ કરી શકાતી હોય, તો પછી અયોધ્યાના રામમંદિર મુદ્દે કેમ આટલા દાયકાઓ સુધી ન્યાયતંત્રમાં દલીલો ચાલી? આપણી પાસે વાલ્મિકી રામાયણ હોવા છતાં કેમ શ્રીરામના જન્મ અને અયોધ્યાનું મંદિર હોવા અંગેના પુરાવા માંગવામાં આવ્યા?

શરમ આવવી જોઈએ આ દેખાડાબાજી અને પોકળ સેક્યુલારિઝમ પર!

લેખક – પરખ ભટ્ટ, ભાવનગર

છ છોકરીઓથી શરૂ થયેલો વિવાદ આજે આંતરરાષ્ટ્રીય મુદ્દો બની ગયો! અને એ પણ એક એવા મુદ્દે, જેમાં દલીલબાજી અને વિખવાદને કોઈ અવકાશ જ નથી. બુરખા અને હિજાબને આજે સ્ત્રી-સશક્તિકરણનું હથિયાર ઠેરવી દેવામાં આવ્યું. મલાલા જેવી મલાલા… જેને રૂઢિગત/જડ – રેડિકલ – ઇસ્લામે ત્રાસ આપવામાં કંઈ બાકી નથી રાખ્યું, એ આજે ભારતના આંતરિક મુદ્દામાં અને એમાં પણ ખાસ કરીને હિજાબની તરફેણમાં ટ્વિટ કરી રહી છે.

જેને ઇસ્લામનો ગઢ માનવામાં આવે છે, ત્યાં હિજાબ સંબંધિત શું કાયદા છે અને ત્યાંની સ્ત્રીઓએ કેવી પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે એના વિશે રત્તીભર પણ તમે કંઈ જાણો છો?
૨૯ વર્ષની ખૂબસુરત ઇરાનિયન યુવતી સહર ખોડયારી ફૂટબોલની રમત લાઇવ નિહાળવાનો પોતાનો શોખ પૂરો કરવા માટે ઇરાનનાં ‘આઝાદી સ્ટેડિયમ’માં મર્દની વેશભૂષામાં પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ હિજાબ ન પહેરવાના જુર્મ હેઠળ એની ધરપકડ કરી લેવામાં આવે છે. ઇરાન સહિતના મોટાભાગના ઇસ્લામિક દેશોના કાયદાઓ સ્ત્રીઓ માટે નર્ક સમાન પૂરવાર થયા છે, જેનો આ એક દાખલો! ઇરાનિયન પોલીસના હાથે પકડાયા એટલે દાયકાઓ સુધી કારાગારમાં સડવું પડે એવું ત્યાંની દરેક સ્ત્રી માને! સહરને પોતાનું જીવન આ રીતે નહોતું જીવવું, એટલે સ્ટેડિયમની બહાર જ તેણે પોતાના આખા શરીરે દેવતા ચાંપી દીધો! બળીને ખાખ થવા આવી, ત્યારે તેને હોસ્પિટલમાં ખસેડાઈ અને ગણતરીના દિવસોની અંદર તેણે દેહત્યાગ કર્યો. આ ઘટનાની જાણ જ્યારે વિશ્વભરના લોકોને થઈ, ત્યારે તેઓ અચંબામાં પડી ગયા. કોઈ દેશની સરકાર આખરે ફૂટબોલ જોવા પર પ્રતિબંધ કેવી રીતે ફરમાવી શકે? આવા તુચ્છ અને નિર્દયી કાયદા ઘડવા પાછળના કારણો શું? ઇરાન ઉપર લગભગ આખી દુનિયાએ ફિટકાર વરસાવ્યો.

ઇસ્લામિક દેશોની સ્ત્રી વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવાનો પ્રયત્ન કરો, ત્યારે તમને સમજાય સાહેબ કે આ બધી યાતનાઓ તો તેઓ રોજ સહન કરે છે. તેમનું આયખું પોતાના અસ્તિત્વને શોધવામાં જ ખર્ચ થઈ જાય છે. ગુલામીની સાંકળો એમના પગે એટલી નિર્મમતાથી બાંધી દેવામાં આવી છે કે ઇચ્છતાં હોવા છતાં હજુ એમાં અસરકારક પરિવર્તનો જોવા નથી મળ્યા.

ને આજે કહેવાતાં ‘સેક્યુલરો’ હિજાબને ધર્મની અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય સાથે સરખાવી રહ્યા છે. અરે અક્કલના બારદાનો, તમને એ પણ જાણ છે ખરા કે કુરાનમાં હિજાબ અંગે શું ફરમાવવામાં આવ્યું છે? પહેલાંના સમયમાં રાણીવાસ અથવા જાહેર મેળાવડાંના કોઈ સ્થળ પર નોકરાણી અથવા ગુલામથી પોતાના ઘરની સ્ત્રીને અલગ તારવવા માટે હિજાબ પહેરવાનો આદેશ કુરાનમાં અપાયો છે. અને જો આ મામલે આટલાં રૂઢિચુસ્ત અને ધર્મપાલનમાં માનતાં હોય તો, એ પણ જાણી લો કે કુરાન ફક્ત એક આંખ ખુલ્લી રહે એ પ્રકારના હિજાબ પહેરવાનો આદેશ આપે છે. આજના જેવાં ફેશનેબલ અને અડધું મોં ખૂલ્લું રહે એવા અપડેટેડ હિજાબ પહેરવાનો નહીં!

ભારતમાં હિંદુઓ મુસલમાનો પર ત્રાસ વરસાવી રહ્યા છે, એવા પોકળ દાવા કરી રહેલાં સેક્યુલર સમાજ સમક્ષ આજે ચુસ્ત ઇસ્લામિક દેશોના કાયદાની બ્લ્યુ-પ્રિન્ટ પ્રસ્તુત કરવાની ઇચ્છા છે, જેથી એમની ભેંસ જેવી જાડી ચામડી ધરાવતાં મગજની આડેથી અવાસ્તવિક પડળો હટી શકે! પાબંદી કોને કહેવાય, દમન કોને કહેવાય, માનવાધિકારનું શોષણ અને અભિવ્યક્તિની ગુલામીનો ખરો ચિતાર જોવો હોય તો સાઉદીના દેશોમાં આંટો મારી આવો.
હું દુબઈ (UAE) પ્રવાસ પર હતો, ત્યારે જે નજારો જોવા મળ્યો એ આઘાતજનક હતો. અબુધાબી અને શારજાહમાં હજુ પણ સ્ત્રીઓ પોતે ઇચ્છે એ પ્રકારના વસ્ત્રો પહેરીને ખુલ્લેઆમ ફરી નથી શકતી. આ બધી મર્યાદાઓ મકબરા-મસ્જિદ સુધી રહે એ વાજબી વાત છે, પરંતુ શહેરના અન્ય ભાગોમાં તેની શું જરૂર? દુનિયાનો કહેવાતો સૌથી આધુનિક દેશ, જ્યાં દર વર્ષે લાખો-કરોડો પ્રવાસીઓ જાહોજલાલી માણવા માટે આવે છે, ત્યાં આવા ૧૮મી સદીના પ્રતિબંધો ખરેખર પછાત માનસિકતાનું પ્રદર્શન કરે છે.

સાઉદી અરેબિયાના કાયદાઓ સાંભળીને (વાંચીને!) તો કદાચ તમે દંગ રહી જશો! દાયકાઓ સુધી સાઉદી અરેબિયામાં સ્ત્રીઓ પોતાના પુરૂષ વાલી (પિતા, પતિ, પુત્ર, ભાઈ કે પુરૂષ સગા)ની મંજૂરી વગર કોઈ કામ કરી શકતી નહીં. ઘરની બહાર નીકળવું હોય, લગ્ન કરવા હોય, ડિવોર્સ લેવા હોય કે પછી સ્કૂલ-કોલેજમાં ભણવા માટે જવું હોય… જીવનના દરેક પડાવ પર એમને પુરૂષોની મંજૂરીની આવશ્યકતા પડતી હતી. ઘણી વખત આવા કાયદાને લીધે સ્ત્રીઓ ઘરેલું હિંસા અને બળાત્કારનો ભોગ બનતી હતી. તેમણે જેને પોતાના માન્યા હોય, એવા જ વાસનાંધ પુરૂષો ઘણી વખત મંજૂરી આપવાના બહાને ઘરની સ્ત્રીઓની છેડતી કરે, એવી ઘટનાઓ છાશવારે બન્યા રાખતી. વળી, પુરૂષોની પરવાનગી વગર ત્યાં પોલીસ ફરિયાદ પણ શક્ય નહોતી, એટલે આવા દુષ્ટો સામે કાર્યવાહી પણ શું થઈ શકવાની? પાંચેક દાયકા પહેલા જન્મેલી સાઉદી અરેબિયાની સ્ત્રીઓએ જે જિંદગી જોઈ છે, એ નર્કાગારથી કમ નથી! ઘણી વખત તો એવું પણ બનતું કે પરિવારમાં કોઈ પુરૂષ સદસ્યની હાજરી ન હોય તો સ્ત્રીઓ ઇચ્છા હોવા છતાં દેશ છોડીને બીજે ઠરીઠામ ન થઈ શકે! કેટલાક કિસ્સાઓ એવા પણ છે, જેમાં જનેતાએ પોતાના પુત્રની પરવાનગી લેવી પડી હોય! જીવનની આ તે કેવી કરૂણતા!

અલબત્ત, સાઉદી અરેબિયામાં આ કાયદો હવે આંશિક રીતે નાબૂદ થયો છે. સ્ત્રીઓને ઘરનાં પુરૂષ સભ્યની પરવાનગી વગર લગ્ન, તલાક અને સંતાનના જન્મની નોંધણી કરવા માટેની છૂટછાટ આપી દેવામાં આવી છે. તદુપરાંત, એમને પોતાના પાસપોર્ટ કઢાવવા તેમજ વિદેશ-મુસાફરી કરવા માટે બીજા પર નભવું નહીં પડે! આમ છતાં ઘણી છટકબારીઓ જોવા મળી છે. જેમકે, સ્ત્રીઓ પુરૂષ-પરવાનગી વગર લગ્ન નહીં કરી શકે. પાસપોર્ટ કઢાવતી વખતે પણ એમાં અમુક અંશે પુરૂષો દખલગીરી કરી શકે છે! ઘરેલું હિંસાની વાત કરીએ તો, હજુ પણ કાયદો એમ કહે છે કે પોલીસ ફરિયાદ ફાઇલ કરાવતાં પહેલા ઘરના પુરૂષ સભ્યની મંજૂરી લેવી જરૂરી છે, પરંતુ જો એ સભ્ય જ સ્ત્રી પર કરવામાં આવતાં અત્યાચારનું કારણ બન્યો હોય, તો એવા સંજોગોમાં શું કરવું એ વિશેની ત્યાં કોઈ જોગવાઈ નથી! ઘણા બધા આંદોલનકારોનું માનવું છે કે ઇસ્લામિક દેશો પોતપોતાનો સગવડિયો ધર્મ અપનાવી રહ્યા છે. સ્ત્રીને છૂટછાટ આપવાનો તેઓ ફક્ત ડોળ કરી જાણે છે. વાસ્તવિકતા એ છે કે દાયકાઓથી અમુક રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતાં એ દેશોનાં લોકો સ્ત્રીની બાગડોર પોતાના હાથમાં જ રાખવા માંગે છે.
બાય ધ વે, ઇસ્લામિક દેશોમાં હિજાબ ન પહેરનારી સ્ત્રીને નગ્નતાના ત્રાજવે તોલવામાં આવે છે. સરકાર માટે બુરખો પહેર્યા વગરની સ્ત્રી એટલે લાજ-શરમ વગરની નગ્ન સ્ત્રી!

સ્ત્રીના અસ્તિત્વને ઘરના રસોડા અને બેડરૂમના પલંગ સુધી સીમિત રાખવા માંગતા આવા લોકોને હવે નવી પેઢી સાખી શકે એમ નથી. કોઈ પણ બિલ્ડિંગ્સ, ઓફિસ, કોલેજ-યુનિવર્સિટી કે બેંકમાં રાખવામાં સ્ત્રી-પુરૂષ માટેના બે જુદા જુદા પ્રવેશદ્વાર હવે આજની જનરેશનને તકલીફ પહોંચાડવા લાગ્યા છે. સ્ત્રી-પુરૂષ જાહેરમાં એકબીજા સાથે ખૂલીને વાત પણ ન કરી શકે એ પ્રકારની વિચારસરણી હવે તેઓ બદલવા માંગે છે. હદ્દ તો ત્યારે થઈ સાહેબ, કે સાઉદી અરેબિયાના શૉપિંગ-મૉલમાં સ્ત્રીઓ માટે કોઈ ટ્રાયલ-રૂમ નથી રાખવામાં આવતાં! (કદાચ બંધ બારણે કપડાં બદલતી સ્ત્રી પણ ત્યાંના કહેવાતાં સુશીલ પુરૂષોનું મન વિચલિત કરી શકવાની ક્ષમતા ધરાવતી હશે?)
મનને શાતા અને હ્રદયને ટાઢક અપાવે એવી વાત એ છે કે, સ્ત્રીઓ પોતપોતાના સંગઠનો બનાવીને સરકારના આવા જાલિમ સ્ત્રી-વિરોધી કાયદાઓ સામે બળવો પોકારી રહી છે. સૌથી મોટો મુદ્દો છે, હિજાબ! તેમની માંગ છે કે અમને હિજાબમાંથી મુક્તિ જોઈએ છે. અમે અમારી મરજીથી બુરખો પહેરવા માંગીએ એ અલગ વાત છે અને બળપૂર્વક એનો આગ્રહ કરવામાં આવે એ અલગ! અમને ‘ઉપભોગ’ માટેની તુચ્છ ચીજ ગણવાને બદલે માનવતાસભર અધિકારો આપવામાં આવે. ધર્મના નામે લગાવવામાં આવેલી બંદિશો હટશે નહીં ત્યાં સુધી આ જ રીતે વારેઘડિયે સહર ખોડયારી જેવી સ્ત્રીઓ પોતાની જાનનું બલિદાન આપતી રહેશે.

એક બાજુ ઇસ્લામિક દેશો હિજાબ હટાવવાની વાત કરી રહ્યા હોય અને ભારતમાં અસંખ્ય મૂર્ખ ‘સેક્યુલરો’ હિજાબની તરફેણમાં અવાજ ઉઠાવી રહ્યા હોય, એ ખરેખર એમના ડબલ ઢોલકી સેક્યુલારિઝમની ચાડી ખાય છે. શાળા એ વાસ્તવમાં સેક્યુલર-સંસ્થાન છે, જ્યાં દરેક બાળક નાતજાત કે ધર્મના ભેદભાવ વગર ભણવાનો અધિકાર ધરાવે છે. કર્ણાટકમાં ચાલી રહેલો વિવાદ એવું દર્શાવે છે કે જો હજુ પણ આપણે શાંત રહ્યા તો એવું બની શકે કે ધીરે ધીરે શાળા-કૉલેજ-યુનિવર્સિટીમાં યુનિફૉર્મને બદલે હિજાબ પહેરવાની છૂટ આપી દેવામાં આવે! અને એ વખતે ભારતના ‘સેક્યુલર’ બૌદ્ધિકોને કોઈ જ વાંધો નહીં હોય, કારણકે એમની બિનસાંપ્રદાયિકતા સગવડિયા ધર્મ જેવી છે!
આશ્ચર્ય તો એ વાતનું છે કે કેરેલા હાઇકૉર્ટમાં વકીલે હડીથને પુરાવા તરીકે ધરીને હિજાબની તરફેણ કરી અને કૉર્ટે સાંભળી પણ ખરાં! જો કુરાનમાં લખાયેલાં વાક્યને આધારભૂત ગણીને હિજાબની તરફેણ કરી શકાતી હોય, તો પછી અયોધ્યાના રામમંદિર મુદ્દે કેમ આટલા દાયકાઓ સુધી ન્યાયતંત્રમાં દલીલો ચાલી? આપણી પાસે વાલ્મિકી રામાયણ હોવા છતાં કેમ શ્રીરામના જન્મ અને અયોધ્યાનું મંદિર હોવા અંગેના પુરાવા માંગવામાં આવ્યા? વાલ્મિકીકૃત રામાયણ અને વેદ વ્યાસ રચિત મહાભારત તો સત્તાવાર રીતે ભારતનો ઈતિહાસ હોવા છતાં હજુ સુધી ‘સેક્યુલર’ના મગજમાં કેમ અસંમતિનું ભૂંસુ ભરાયેલું છે?

દુબઈ, શારજાહ, ઓમાન કે મસ્કતને તમે ભલે વિકસિત માનતાં હો, પરંતુ ત્યાંના સ્થાનિક લોકો સાથે પૂછપરછ કરશો ત્યારે સમજાશે કે એમની પાસે બોલવાની પણ આઝાદી નથી. અખબારી સ્વાતંત્ર્યને નામે મોટું મીંડુ છે! ‘ખલીજ ટાઇમ્સ’થી માંડીને અન્ય નાના-મોટાં અખબારો ત્યાંના રાજાની માલિકીના છે! પોતાના દેશમાં ઉઠતાં અવાજને દબાવી દેવામાં તેઓ અત્યંત ચબરાક છે. દેશ-દુનિયાની સામે તેઓ પોતાની એવી જ છબી તેઓ ઉજાગર કરશે, જે એમના ટૂરિઝમને વેગ અપાવી શકે. ધેટ્સ ઇટ! બાકી માંહ્યલા ગુણ તો મહાદેવ જ જાણે!

નોંધ- લેખમાં તમામ વિચારો લેખકના અંગત છે.