8 વર્ષ પહેલાં SAG ટેલેન્ટ સ્કાઉટ્સ દ્વારા અમિતા રાઠવાને પસંદ કરી હતી. હવે 36મી નેશનલ ગેમ્સમાં અમિતાએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા

કેતન જોશી. નમસ્કાર ગુજરાત ન્યૂઝ ગાંધીનગર
પંચમહાલ જિલ્લામાંથી આવતી ખેલાડીએ ક્યારેય સપનું પણ નહીં જોયું હોય કે તે રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અને નેશનલ ગેમ્સમાં બે મેડલો પણ જીતશે. જોકે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની અમિતા રાઠવાએ નેશનલ ગેમ્સમાં ઇતિહાસ રચવામાં કોઇ જ કચાસ રાખી નહતી. બુલંદ ઇરાદા અને ઉંચા સપનાને સાકાર કરતા અમિતા રાઠવાએ 36મી નેશનલ ગેમ્સની આર્ચરી ઇવેન્ટમાં સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 8 વર્ષ પહેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની ટેલેન્ટ આઇડેન્ટિફેકશન સ્કીમ હેઠળ અમિતા રાઠવાને પસંદ કરાઇ હતી અને આજે તેણે તેના પરિણામ સ્વરૂપે મેડલ જીતવામાં સફળતા મેળવી છે.

રાજ્યની સફળ સ્પોર્ટ્સ નીતિ અને ટેલેન્ટ હન્ટ માટે કરવામાં આવતી કવાયતને પગલે ગુજરાતને આજે એક પ્રતિભાશાળી ખેલાડી અમિતા રાઠવાના સ્વરૂપે મળી છે. આર્ચરીની સિંગલ્સ ઇવેન્ટમાં અમિતા મણિપુરની ઓકરામ નાઓબી ચાનુ સામે રોમાંચક મુકાબલા બાદ હારી ગઇ હતી. જોરદાર ફાઇનલ મુકાબલાનું પરિણામ શૂટ ઓફ દ્વારા આવ્યું હતું જ્યારે સ્કોર 10 રાઉન્ડ બાદ 5-5 પર રહ્યો હતો. જોકે સમગ્ર ઇવેન્ટમાં તેના સાહસ અને ધૈર્યને પગલે ગુજરાતે આર્ચરીમાં પણ મેડલનું ખાતું ખોલવામાં સફળતા મેળવી હતી.

આ પહેલા આજે સવારના સેશનમાં અમિતા રાઠવાએ ઉર્વશીબા ઝાલા, સ્નેહા પટેલ અને જેનિશા જતી સાથે મળીને ટીમ રાઉન્ડ ઇવેન્ટમાં ઝારખંડને હરાવી બ્રોન્ઝ મેડલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નોંધનીય છે કે રાજ્યના ગ્રામીણ અને આદિવાસી પટ્ટામાંથી પણ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન પ્રોગ્રામ હેઠળ અમિતા હવે આગામી ટૂર્નામેન્ટમાં પણ રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. અમિતાએ સૌથી પહેલા દેવગઢ બારિયા ખાતેથી ગ્રેજ્યુએટ પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ તે નડિયાદ ખાતે આવેલા સેન્ટર ઓફ એક્સિલન્સ ખાતે પહોંચી હતી. જ્યાં તેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ટ્રેનિંગ પ્રોગ્રામમાં પોતાની પ્રતિભાને વધુ નીખારી હતી.

પોતાની સિદ્ધિ અંગે અમિતાએ જણાવ્યું હતું કે નડિયાદ ખાતેના ટ્રેનિંગ પ્રોગ્રામ દરમિયાન રાજ્ય સરકાર જ તમામ ખેલાડીઓનું ધ્યાન રાખે છે. ખેલાડીએ માત્ર પોતાની ગેમ અને પર્ફોમન્સ ઉપર જ ધ્યાન આપવાનું રહે છે. નડિયાદ એકેડમીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે.

અમિતા રાઠવાના કોચ ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે અમિતા રાઠવા પ્રેમિલા બારિયાના પગલે ચાલી રહી છે. પ્રેમિલાએ પણ ઘોઘંબાથી શરૂ કરીને ઓલિમ્પિક સુધી પોતાની ચમક પાથરી છે. તેણે એશિયા ગેમ્સથી લઇને બર્લિન યુનિવર્સિટી ગેમ્સમાં પણ ભાગ લીધો છે અને આ બધું જ રાજ્ય સરકારની મદદથી જ થઇ રહ્યું છે. અમિતામાં પણ એ જ રમત પ્રત્યેને લગાવ અને ફાઇટિંગ સ્પિરીટ જોવા મળી રહી છે. આગામી સમયમાં જુનિયર અને સિનીયર આર્ચરી ચેમ્પિયનશિપ આવી રહી છે જ્યાં અમિતા પોતાનું પ્રદર્શન વધુ સારું કરી શકે છે. ત્યારબાદ અમે તેને રિકર્વ ઇવેન્ટ માટે તૈયાર કરીશું અને અમને આશા છે કે તે એક દિવસ ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.