ભારતે દર્શાવેલી નારાજગી બાદ બ્રિટને કોવિશિલ્ડ વેક્સીનને મંજૂરી તો આપી દીધી છે પણ આમ છતા બ્રિટને એક એવી જોગવાઈ યથાવત રાખી છે જેને લઈને વિવાદ વધી શકે છે. બ્રિટને જાહેર કરેલી નવી ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારતથી આવનારા મુસાફરોને હજી પણ ક્વોરેન્ટાઈન તો રહેવુ જ પડશે.
બ્રિટનનુ કહેવુ છે કે, ભારત સરકાર સાથે મળીને બ્રિટિશ સરકાર વેક્સીન સર્ટિફિકેશનને માન્યતા આપવા પર કામ કરી રહી છે. સાથે સાથે કહેવાયુ છે કે, કોવિશિલ્ડનો બંને ડોઝ લેનારા ભારતીયોને ક્વોરેન્ટાઈનમાં તો રહેવુ જ પડશે. કારણકે ભારતમાં વેક્સીનના બે ડોઝ લીધા બાદ જે સર્ટિફિકેટ ઓનલાઈન જનરેટ થાય છે તેને લઈને બ્રિટનને શંકા છે. બાકી કોવિશિલ્ડ વેક્સીન સાથે બ્રિટનને તકલીફ નથી. યુકે દ્વારા ટ્રાવેલના નવા નિયમો ચાર ઓક્ટોબરથી લાગુ થવાના છે. યુકે દ્વારા બીજી પણ કેટલીક રસીઓને મંજૂરી આપવામાં આવી છે.
યુકે દ્વારા અલગ અલગ દેશમાંથી આવનારા મુસાફરો માટે અલગ અલગ કેટેગરી બનાવવામાં આવી છે. ભારત અત્યારે એમ્બર લિસ્ટમાં છે. જે અનુસાર 10 દિવસ કે તેનાથી વધારે સમય માટે જો કોઈ વ્યક્તિ ભારતમાં રહ્યો હોય તો તેણે બ્રિટનની મુસાફરીના ત્રણ દિવસ પહેલા કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને જો કોઈ યાત્રી બ્રિટનમાં કોવિટ ટેસ્ટનુ પ્રુફ લઈને નહીં પહોંચે તો તેને 500 પાઉન્ડનો દંડ કરવામાં આવશે. સાથે સાથે ત્યાં પહોંચ્યા બાદ બીજી દિવસે ફરી કોવિડ ટેસ્ટ કરાવવો પડશે. એમ્બર લિસ્ટમાં સામેલ મુસાફરે વેક્સીનના બે ડોઝ નહીં લીધા હોય તો તેણે બ્રિટન પહોંચ્યા બાદ ક્વોરેન્ટાઈન થવુ પડશે તેમજ બીજા દિવસે અથવા આઠમા દિવસે કોવિડ ટેસ્ટ કરાવવો પડશે.