પ્રવાસીઓમાં ભારે રોષ, કુલ જપ્ત રકમ: $5.7 મિલિયન (છેલ્લા 4 મહિનામાં), ભોગ બનનાર પ્રવાસીઓ: 71,000 થી વધુ, સરકારનો પક્ષ: વહીવટી ખર્ચ ઘટાડવા માટે આ નિર્ણય
ન્યુઝીલેન્ડમાં વિઝા અરજી કરનારા પ્રવાસીઓ પાસેથી વસૂલવામાં આવતો ‘ઇન્ટરનેશનલ વિઝિટર કન્ઝર્વેશન એન્ડ ટૂરિઝમ લેવી’ (IVL) અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. વર્ષ 2024ના ઓક્ટોબરમાં આ ફી $35થી વધારીને $100 કરવામાં આવી હતી. નિયમ મુજબ, જો કોઈ પ્રવાસીની વિઝા અરજી નકારવામાં આવે, તો પણ આ $100 પરત કરવામાં આવતા નથી. ઇમિગ્રેશન નિષ્ણાતો અને પ્રવાસન ઉદ્યોગના અગ્રણીઓ આ નીતિને અન્યાયી ગણાવી રહ્યા છે.
સરકારે અબજો રૂપિયાની કમાણી કરી
RNZ દ્વારા મેળવવામાં આવેલા આંકડા મુજબ, આ ટેક્સની શરૂઆતથી અત્યાર સુધીમાં $300 મિલિયનથી વધુની રકમ એકત્ર કરવામાં આવી છે અને વર્ષ 2025/26માં વધુ $190 મિલિયન આવવાની ધારણા છે. ઓક્ટોબર 2024થી અત્યાર સુધીમાં આશરે 71,000 પ્રવાસીઓની અરજીઓ નકારવામાં આવી છે, જેના કારણે સરકારે પ્રવાસીઓ ન આવ્યા હોવા છતાં તેમના તરફથી મળેલી $5.7 મિલિયન (આશરે ₹48 કરોડ) ની રકમ પોતાની પાસે જ રાખી લીધી છે.
નિષ્ણાતોનો તર્ક: “પ્રવાસી આવ્યો જ નથી, તો ખર્ચ શેનો?”
- કેટલાક ઇમિગ્રેશન એડવાઇઝરો દલીલ કરી રહ્યા છે કે જો કોઈ પ્રવાસી ન્યુઝીલેન્ડમાં પ્રવેશ જ નથી કરતો, તો તે કુદરતી સંસાધનો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરતો નથી. તો પછી તેની પાસેથી $100 લેવાનું કારણ શું? ઇમિગ્રેશન વિભાગે વિઝા મંજૂર ન થાય ત્યાં સુધી આ રકમ લેવી જોઈએ નહીં. ખાસ કરીને પરિવારો માટે આ વધારાનો બોજ છે.
- ભારત જેવા બજારો પર અસર: ખાસ કરીને ભારત જેવા દેશોમાં, જ્યાં પ્રવાસીઓ પહેલેથી જ ઊંચી વિઝા ફી ચૂકવે છે, ત્યાં આ ‘નો રિફંડ’ નીતિને કારણે ન્યુઝીલેન્ડ પ્રત્યે અણગમો વધી રહ્યો છે.
સરકારનો પક્ષ: વહીવટી ખર્ચ ઘટાડવા માટે આ નિર્ણય
MBIE ના મેનેજર ટોમ સિમકોકે સ્પષ્ટતા કરી છે કે જો રિફંડની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો તેનાથી સિસ્ટમ પર વહીવટી બોજ અને ખર્ચ વધે તેમ છે. સરકારે અગાઉ જ નક્કી કર્યું હતું કે વિઝા ફી અને લેવી પરત કરવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું કે મે 2024માં જ્યારે આ અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો, ત્યારે કોઈએ પણ રિફંડ ન મળવા બાબતે વાંધો ઉઠાવ્યો ન હતો. આ રકમનો ઉપયોગ દેશના પર્યાવરણ અને પ્રવાસન સુવિધાઓને જાળવવા માટે કરવામાં આવે છે.