જ્વેલરી શો રૂમમાં 7-8 લૂંટારૂઓએ 60 સેકન્ડમાં જ લૂંટને આપ્યો અંજામ, હિન્દી અને ગુજરાતી મૂળના કર્મચારીઓ હતા હાજર

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા ઇન્ડિયન જ્વેલરી શો રૂમને અજાણ્યા 7થી 8 લૂંટારૂઓએ લૂંટ્યો છે. શો રૂમનો ગુજરાતી કર્મચારી બહારથી અંદર આવે છે અને દરવાજો લોક થાય તે પહેલા જ લૂંટારૂઓ ત્રાટકે છે. હવે સમગ્ર લૂંટના સીસીટીવી સામે આવ્યા છે જેને પગલે સમજી શકાય છે કે 1 મિનિટમાં જ સાતથી આઠ લૂંટારૂઓએ લૂંટને અંજામ આપ્યો છે. ન્યૂજર્સીના 1394 Oak Tree Rd, Iselin ખાતે વિરાણી ગોલ્ડ એન્ડ ડાયમંડ શો રૂમ આવ્યો છે જ્યાં 10 જૂને આ લૂંટ કરવામાં આવી હતી. લૂંટની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. લૂંટારૂઓ મર્સિડીઝમાં લૂંટને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.

લૂંટ દરમિયાન 2 મહિલા અને પુરુષ કર્મચારી અંદરોઅંદર વાતચીત કરી રહ્યા હતા અને થોડા સમયમાં જ બહારથી એક કર્મચારી શો રૂમની અંદર આવે છે અને દરવાજો લોક થાય તે પહેલા જ લૂંટારૂઓ પણ પ્રવેશ કરે છે. હાથમાં હથિયારો સાથે આવેલા લૂંટારૂઓએ સૌથી પહેલા મહિલા કર્મચારી પર હુમલો કરે છે. તો બીજીતરફ કેટલાક લૂંટારૂઓ કાચ તોડીને જ્વેલરી શો રૂમમાં લૂંટ ચલાવે છે. લૂંટારૂઓએ મોં પર માસ્ક અને હાથ પર ગ્લોવ્ઝ પહેરેલા હતા જેથી તેઓ ક્યા મૂળના છે તે જાણી શકાયું નથી.

ગોળી ચલાવી જેથી કર્મચારીઓ વધુ ગભરાયા
લૂંટ દરમિયાન લૂંટારૂઓએ કર્મચારીને ગભરાવવા માટે ગોળી પણ ચલાવી હતી. એક મિનિટમાં જ લૂંટારાઓએ જ્વેલર્સના શો-કેસ તોડીને બધા દાગીના અને કેશ લૂંટ્યા હતા. જોકે સદનસીબે કોઇ કર્મચારીને હાનિ પહોંચાડી નહતી. નોંધનીય છે કે વિરાની જ્વેલર્સની આસપાસમાં મોટાભાગની દુકાનો ભારતીય મૂળના લોકોની જ છે. જેથી વિસ્તારમાં હાલ આ લૂંટ બાદ ગભરાટનો માહોલ સર્જાયો છે. લૂંટારાઓના ગયા પછી કર્મચારીઓએ પોલીસને ફોન કરીને માહિતી આપી હતી. વીડિયોમાં કર્મચારીઓ એકબીજા સાથે હિન્દી અને ગુજરાતીમાં વાત કરતા સંભળાય છે.

1987માં થઇ હતી વિરાણી જ્વેલર્સની સ્થાપના
વિરાણી જ્વેલર્સની સ્થાપના 1987માં ઇકબાલ વિરાણી દ્વારા કરવામાં આવી હતી, ઇકબાલ વિરાણી જાણીતા અગ્રણીઓમાંના એક હતા. વિરાણી જ્વેલર્સને ત્યાં જથ્થાબંધ વેપારીથી માંડીને દક્ષિણ ભારતીય દાગીનામાં વિશેષતા ધરાવતા હતા જેથી મોટાભાગના ભારતીય મૂળના લોકો આ જ શો રૂમમાં આતા હતા. આજે, કંપની ચાર વિસ્તૃત રિટેલ સ્થાનો અને આકર્ષક ડાયમંડ શોરૂમનું સંચાલન કરે છે.