નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું સોંપ્યું, નવી સરકાર ન રચાય ત્યાં સુધી વડાપ્રધાનપદે રહેશે યથાવત્

નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. તેમણે મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સુપરત કર્યું છે. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને નવી સરકાર ચાર્જ ન લે ત્યાં સુધી તેમને અને મંત્રી પરિષદને પદ પર રહેવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે.

આ પહેલા મોદી કેબિનેટની છેલ્લી બેઠક સવારે 11.30 વાગે મળી હતી. જેમાં સરકારે ત્રીજી વખત જીત બદલ આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો. મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે. જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે 7 જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના તમામ સાંસદોની બેઠક થશે.

પરિણામો બાદ હવે સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. એક તરફ ભાજપ તેના સાથી પક્ષો સાથે વાતચીત કરી રહી છે તો બીજી તરફ વિપક્ષ ઈન્ડિયા બ્લોક પણ સક્રિય થઈ ગયો છે. પરિણામો પછી, JDU અને TDP આજે દિલ્હીમાં ભાજપને તેમના સમર્થન પત્રો સબમિટ કરશે, ત્યારબાદ ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે કેબિનેટની બેઠક બોલાવી છે. સાથે જ એનડીએ ગઠબંધન અને ઈન્ડિયા બ્લોકે પણ તેમના સહયોગીઓની બેઠક બોલાવી છે.

લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે. નવી સરકારના શપથગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે. આ અંગેની તૈયારીઓ પર મંથન તેજ થયું છે.