આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ પર લેખિકા કિર્તી પારેખ દ્વારા માતૃત્વની ગહન સંવેદના અને અતૂટ પ્રેમનું હૃદયસ્પર્શી આલેખન

લેખિકા – કિર્તી પારેખ
ઈશ્વર બનવું કદાચ સહેલું હશે,  પંરતુ “મા”નું પાત્ર નિભાવવું એ તો ખુદ ભગવાન માટે પણ કઠીન છે. સમગ્ર સૃષ્ટિમાં સૌથી વધારે વપરાતો શબ્દ “મા” છે.  સંતાનો જયારે નાનાં હોય છે ત્યારે તેઓની કાલીઘેલી બોલીમાં માને દુનિયાભરનું સુખ, શાંતિ, ઐશ્વર્ય, હરખ અને આત્મસંતોષ મળ્યાનાં અહેસાસની અનૂભૂતિ થાય છે.

સંતાનોને પહેલું પગલું પાડતાં જોઈને માને હૃદયમાં હરખની હેલીમાં હેલ છલકાય છે. જેમ જેમ સંતાનો મોટાં થાય તેમ તેમ “મા” મનોમન વિચારવા લાગે છે કે મારા સંતાનો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને તેણીની કુખ ઉજાળશે. આવાં સપનાંઓ ગુથંતી ગુથંતી “મા” જ જોવાં મળે.    “મા” ફક્ત પોતાનાં સંતાનો માટે જ જીવતી હોય છે. ભલે તે મહેલની રાણી હોય કે ઝુંપડીમાં રહેતી કોઈ ગરીબ “મા” હોય. 

સંતાનોને સારી પરવરીશ, એટલે કે નાનપણથી સારા સંસ્કાર, સદગુણો અને વિવેક, નમ્રતા જેવાં ગુણોનું સિંચન કરવાનું હોય છે ને જીવનભર તેનું જતન કરતાં રહેવાનું. બાળક જન્મે ત્યારથી જ “મા” ની દુનિયા  બસ સંતાનોની આજુબાજુ ફરતી રહે છે.   

સમાજમાં સંતાનો કાજે જીવતી.”મા” રોજ થોડીક થોડીક અંદરથી મરતી હોય છે, છતાં પણ સંતાનો માટે સઘળું કરી છુટવા તત્પર હોય છે. ક્યારેક બિમાર રહેતી “મા” સંતાનો માટે ખાવાનું બનાવીને તેઓને ખવડાવે ત્યારે જ તેણીને ધરપત થાય છે. “મા” સંતાનો માટે એક સુરક્ષા કવચ છે.

 “મા” પોતાનાં સંસારની કે પોતાનાં માવતરની કાળજી તો લે જ છે, છતાં તેમા અગ્રસ્થાને તો હંમેશા સંતાનો જ હોય છે. તે થોડી થોડી બચત કરીને સંતાનો માટે ભેગું કરતી રહે છે. “મા” કદાચ સંતાનોને તેઓનાં ભલા માટે શિખામણના બે શબ્દો કહેશે, એટલે કે કડવી દવા જેવા ઘુંટ પીવડાવે. પરંતુ અન્ય લોકો પોતાનાં સંતાનો માટે જો કટુવચન બોલશે તો “મા” કદાપિ સહન નહીં કરે. તેઓને વળતો જવાબ આપી દેશે. “મા” પોપટી પર્ણ જેવી કોમળ હૃદયની માલકિન છે. પરંતુ  સંતાનો માટે “મા” જગદંબા કે દુર્ગાનું સ્વરૂપ ધારણ કરી અને પડકારો ઝીલવા કાયમ તૈયાર હોય છે. 

“મા”ની  જિંદગીની ઘટમાળ ચોવીસ કલાક ઘંટીના બે પડ વચ્ચે પિસાતી હોય છે. કયારેક પરિવારમાં વિપદા આવે અને પિતાની નોકરી જતી રહી હોય,  અથવા પિતાની હયાતી જ ન હોય તો “મા” એકલપંડે સંતાનોને મોટાં કરે છે. જો તેણી ભણેલી હોય તો નોકરી કરીને, ઓછું ભણી હોય તો ઘરમાં જ  જાતજાતનાં નાસ્તા કે ટીફીનો કે સિવણ જેવા ગૃહ‌ ઉદ્યોગ કરીને પણ સંતાનોને ભણાવે, પરણાવે તેઓનાં અન્ય કામકાજ કરતી જ રહેતી હોય છે. “મા”ની જિંદગીમાં સુખનું પાનું સાવ કોરું જ હોય છે. છતાં “મા”ના ચહેરા પર જરા સરખી નારાજગી કે  પીડા જોવા નથી મળતી. 

વટવૃક્ષ જેવી “મા”ની શીતલ છાયામાં સંતાનોને આખાં જગત જેવી સુખની અનુભૂતિ થાય છે. “મા” જીવનભર અથડાય છે, કયાંક પછડાય છે છતાં હિંમત કરીને સંતાનો કાજે બેઠી થાય છે. “મા” કોઈ પણ પરિસ્થિતિમાં સદૈવ પુજનીય છે. સાપ્રંત સમયમાં સંતાનોના વર્તનોથી કયાંરેક ” મા” ને ઘણું દુઃખ થાય છે છતાં ” મા” ક્યારેય સંતાનોનુ અહિત નથી ઈચ્છતી.

ઢળતી ઉમંરે સંતાનોની અવગણનાને ” મા” કડવા ઘૂંટડા પીને, પોતાની વ્યથાને પાલવમાં સંતાડીને અને આંખોનાં સપનાંઓને અશ્રુ વાટે વહાવીને સદા હસતી રહે છે. દુઃખમાં પણ…. એટલે જ કહેવાય છે કે માતાની તોલે બીજું કોઈ ન આવે.