મંત્રી બ્રિજેશ મેરજાએ ધ્રાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલમાંથી પાણી મળી રહે તે માટે નર્મદા નિગમને પણ દરખાસ્ત કરી
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
મોરબી જિલ્લાના ઘણાં ગામોના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટેના પાણી મુદ્દે અગવડ વેઠવી પડતી હોય છે જોકે ખેડૂતોની માગ સ્વીકારીને હવે મોરબી-માળિયા (મી) મત વિસ્તારના ધારાસભ્ય તથા શ્રમ અને રોજગાર, કૌશલ્ય તથા પંચાયત (સ્વતંત્ર હવાલો) મંત્રી બ્રિજેશ મેરજાએ ઉકેલ લાવવાની કોશિશ હાથ ધરી છે. ઉનાળુ પાકને પીયત માટે પાણી પહોંચાડવા માટે નર્મદા કેનાલનું પાણી હવે મળી રહે તે માટે બ્રિજેશ મેરજાએ સિંચાઇ મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી છે. આ સાથે જ સરદાર સરોવર નર્મદા નિગમ લી.ના મેનેજીંગ ડિરેકટર રાજીવ ગુપ્તાને પણ ખેડૂતોના આ પ્રાણ પ્રશ્ન બાબજે ધ્યાન દોર્યું હતું.
મુખ્યમંત્રી સમક્ષ પણ ખેડૂતો કરી ચૂક્યા હતા રજૂઆત
ઉલ્લેખનીય છે કે, ગત 24ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી જિલ્લાના વવાણિયામાં આવ્યા હતા ત્યારે આગેવાનોએ ખેડૂતોના પ્રશ્ને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. હવે ઉનાળુ પાકને પાણીની વધુ જરૂરિયાત છે ત્યારે બ્રિજેશ મેરજાએ પણ પહેલ કરી છે. મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી, માળીયા(મી) અને ધ્રાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવા માટે સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપા પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયાએ સિંચાઇ મંત્રી ઋષિકેશભાઇ પટેલને ખેડૂતોના પ્રશ્નને વાચા આપવા માટે ધ્યાન દોર્યું હતું.