દોરીનો પેચ અને લાગણીનો હેજ: પતંગની સંગાથે વિદેશમાં જીવંત થયો દેશ, વૈષ્ણવ પરિવાર પતંગ મહોત્સવના ૨૦ વર્ષ: પતંગ કાપે અંતર, પણ દોરી જોડે દિલ!

નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ફોટો જર્નલિસ્ટ – Aman Heer
ઓકલેન્ડ: શનિવારની એ સવાર ઓકલેન્ડના રહેવાસીઓ માટે સામાન્ય નહોતી. એવોનડેલ સ્થિત ઇસ્ટડેલ રિઝર્વના મેદાનમાં જ્યારે સૂર્યના કિરણો પથરાયા, ત્યારે આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. ‘વૈષ્ણવ પરિવાર ન્યૂઝીલેન્ડ’ દ્વારા આયોજિત આ ૨૦મા વાર્ષિક પતંગ મહોત્સવે સાબિત કરી દીધું કે ન્યૂઝીલેન્ડની ધરતી પર ગમે તેટલા વર્ષો વીતી જાય, પણ એક ગુજરાતીના લોહીમાં રહેલો ‘ઉત્તરાયણ’નો ઉમંગ ક્યારેય ઓછો થતો નથી.

પરંપરા અને આધુનિકતાનો રંગ
છેલ્લા બે દાયકાથી આ મહોત્સવનું આયોજન કરી રહેલા વૈષ્ણવ પરિવારે આ વર્ષે વ્યવસ્થાઓમાં વિશેષ ધ્યાન આપ્યું હતું. ભારતથી ખાસ મંગાવવામાં આવેલી સુરતી માંજો અને ખંભાતી પતંગોએ પતંગબાજોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. માત્ર વડીલો જ નહીં, પણ ન્યૂઝીલેન્ડમાં જન્મેલી નવી પેઢીના બાળકો પણ હાથમાં ફિરકી પકડીને પિતા પાસે પતંગ ચગાવવાની કળા શીખતા જોવા મળ્યા હતા. સ્થાનિક કિવી સમુદાયની હાજરીએ આ ઉત્સવને વૈશ્વિક રૂપ આપ્યું હતું.

‘કાઇપો છે’ની ગુંજ અને આત્મીયતાનો સંગમ
મેદાનમાં પતંગ રસીયાઓ વચ્ચે પેચ લડાવવાની હોડ જામી હતી. જેવી કોઈની પતંગ કપાતી કે તરત જ આખું મેદાન ‘કાઇપો છે’, ‘એ લપેટ’ની ચીચીયારીઓથી ગુંજી ઉઠતું હતું. આ અવાજોમાં વતનની ગલીઓની સુગંધ હતી. કારણ કે લોકોની મિજબાની માટે વિવિધ વાનગીઓ સ્ટોલ પણ હતા તો સાથે જ તમામ સ્પોન્સર્સના સ્ટોલમાં ઇનામોની રમઝટ પણ જોવા મી હતી. જે પતંગબાજીની મજાને બમણી કરી દેતા હતા. મેદાનના એક ખૂણે દેશી ગરબા અને ઢોલના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા, જે દ્રશ્ય જોઈને ક્ષણભર માટે એવું લાગતું હતું કે આપણે ઓકલેન્ડમાં નહીં પણ અમદાવાદના કોઈ ધાબા પર ઊભા છીએ.

આ ઉત્સવ માત્ર મનોરંજન નહોતો, પણ ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય સમુદાયની એકતા અને પોતાની સંસ્કૃતિ પ્રત્યેની અતૂટ આસ્થાનું પ્રતીક હતો. વૈષ્ણવ પરિવારના અથાક પરિશ્રમે આ સાત સમુંદર પારના દેશમાં ફરી એકવાર ‘દેશ’ જીવંત કરી દીધો. આ પતંગો માત્ર કાગળના ટુકડા નહોતા, પણ હજારો કિલોમીટર દૂર બેઠેલા ભારતીયોની લાગણીઓની ઉડાન હતી, જે આકાશને આંબી રહી હતી.