પૂર્વમાં પત્રકાર રહેલા ઇસુદાન ગઢવીના નામની અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત





Isudan Gadhvi, AAp Gujarat CM Face, Gujarat, Aam Admi party, Gujarat Election 2022, ઇસુદાન ગઢવી, ઇસુદાન મુખ્યમંત્રીપદ ચહેરો,

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ચહેરા સાથે મેદાનમાં ઉતરવાની ઘોષણા કરી હતી અને હવે તેમણે મુખ્યમંત્રીપદનો ચહેરો પણ જાહેર કરી દીધો છે. ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રીપદનો ચહેરો વિધાનસભા ચૂંટણી દરમિયાન રહેશે. ઇસુદાન ગઢવી ભૂતકાળમાં રાજ્યની ખાનગી ચેનલમાં એડિટરપદે રહી ચૂક્યા છે અને હવે રાજકારણમાં છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના સર્વે સર્વા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘આજે ગુજરાતના ઈતિહાસ માટે સૌથી મહત્વનો દિવસ છે. 27 વર્ષ સુધી લોકો પાસે કોઈ વિકલ્પ ન હતો. ત્યારે આજે ગુજરાત પરિવર્તન ઇચ્છી રહ્યું છે. આજે લોકોને એક નવો વિકલ્પ મળ્યો છે. નવું એન્જીન છે. અમે રૂમમાં બેસીને નક્કી નથી કરતા કે CM કોણ હશે. પંજાબની જનતાએ CM ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ત્યારે ગુજરાતમાં દરેક સર્વે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. અમે જ્યારે સર્વે કર્યો તેમાં 16.48 લાખ લોકોએ મત આપ્યો. જેમાંથી ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા.’

ઇસુદાન ગઢવી કે જેઓ નેતા બનતા પહેલા એક પત્રકાર હતા. તેઓ 16 વર્ષ સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતના લોકપ્રિય એન્કર તેમજ ખેડૂત વર્ગમાં પત્રકાર તરીકે ભારે ચાહના ધરાવતા હતા. એમાંય તેમનો રાત્રિના 8થી 9 વાગ્યાનો ‘મહામંથન’ શો લોકોમાં ભારે લોકપ્રિય હતો. ઇસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ ‘મહામંથન’થી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. ઇશુદાન ગઢવીએ પોતાની સ્પષ્ટ છબીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની આગવી ઓળખ બનાવી હતી. જોકે બાદમાં તેઓએ VTVના એડિટર પદેથી રાજીનામું આપી AAPનું ઝાડુ પકડ્યું હતું. 1 જુલાઈ 2021ના ​​રોજ તેઓએ ન્યુઝ ચેનલના એડિટર પદેથી રાજીનામું આપ્યા બાદ 14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા. ત્યારે ખુદ અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા તેઓને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સાથે કેજરીવાલે કહ્યું હતું કે, ‘ઈસુદાન ગુજરાતના કેજરીવાલ છે.’