અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર સતત હુમલા થઈ રહ્યા છે ત્યારે આવા વધુ એક બનાવમાં શિકાગોમાં હૈદરાબાદના એક વિદ્યાર્થી પર કેટલાક હથિયારબંધ લોકોએ હુમલો કર્યો અને તેનો ફોન અને પર્સની લૂંટ ચલાવી ભાગી ગયા હતા.
અમેરિકાના શિકાગોમાં ભારતીય મૂળના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલો કેટલાક સશસ્ત્ર લોકોએ કર્યો હતો. આ દરમિયાન તેઓએ વિદ્યાર્થીને ધમકાવીને તેનો ફોન અને પર્સ પણ છીનવી લીધું હતું.
પીડિતાના પરિવારે ભારત સરકારને આ બાબતની નોંધ લેવા વિનંતી કરી છે અને આશા વ્યક્ત કરી છે કે વિદ્યાર્થીને યોગ્ય તબીબી સારવાર મળશે.
પીડિત વિદ્યાર્થીનું નામ સૈયદ મઝહિર અલી હોવાનું કહેવાય છે.
અલી હૈદરાબાદનો રહેવાસી છે. તે શિકાગોની ઇન્ડિયાના વેસ્લીયન યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કરી રહ્યો છે.
ABC7 શિકાગોના અહેવાલો અનુસાર 4 ફેબ્રુઆરીના રોજ, વેસ્ટ રિજ ખાતેના તેમના એપાર્ટમેન્ટ નજીક સશસ્ત્ર લૂંટારાઓએ તેમના પર હુમલો કર્યો હતો અને મુક્કા અને લાતો મારી હતી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી પરિણામે તે લોહીલુહાણ થઈ ગયો હતો તેણે જીવ બચાવવા ખૂબ દોડાદોડી કરી હતી.
અલી સાથેની આ ભયાનક ઘટના બાદ ભારતમાં તેની પત્ની અને બાળકો ખૂબ જ પરેશાન છે. અલીને 3 બાળકો છે. આ ઘટના બાદ તેમની પત્નીએ વિદેશ મંત્રી એસ જયશંકરનો સંપર્ક કર્યો છે અને તેમને અમેરિકા જવા માટે વિનંતી કરી છે.
શિકાગોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે મંગળવારે કહ્યું કે તે અલીની પત્નીના સંપર્કમાં છે અને તેણે આ મામલે તેમને તમામ શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.