ભારત 114/0, ઇંગ્લેન્ડ 111 રન, મેન ઓફ ધ મેચ જસપ્રીત બુમરાહની 19 રનમાં છ વિકેટ, રોહિત શર્મા અણનમ 76 રન, શિખર ધવન 31 રન

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ભારતે ઇંગ્લેન્ડ સામે 48 વર્ષના ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર 10 વિકેટે જીત મેળવી છે. ધ ઓવલ ખાતે રમાયેલી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટે આસાનીથી હરાવ્યું હતું. 111 રનના ટાર્ગેટને ભારતીય ટીમે 18.4 ઓવરમાં કોઈપણ નુકશાન વિના હાંસલ કરી લીધો હતો. કેપ્ટન રોહિત શર્માએ 76 અને શિખર ધવને 31 રન બનાવ્યા હતા. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે બીજી વનડે મેચ 14 જુલાઈએ રમાશે.

રોહિત-ધવનની જોડીએ 5000 રન પૂરા કર્યા
વનડે ક્રિકેટમાં રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ પોતાના 5000 હજાર રન પૂરા કર્યા છે. સચિન અને ગાંગુલી પછી આ બીજી ભારતીય ઓપનિંગ જોડી છે જેણે વનડેમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ વનડેમાં 110 રન બનાવીને આઉટ થઈ ગઈ છે. જસપ્રીત બુમરાહે ડેવિડ વિલીને 21 રને ક્લીન બોલ્ડ કરી ઈંગ્લેન્ડની ઈનિંગ્સનો અંત આણ્યો હતો. તે ODIમાં ઈંગ્લેન્ડની ધરતી પર મેચમાં છ વિકેટ લેનારો પ્રથમ ભારતીય ઝડપી બોલર છે. ઈંગ્લેન્ડે પણ ભારત સામે પોતાનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. આ પહેલા ભારત સામે વનડેમાં ઈંગ્લેન્ડનો સૌથી ઓછો સ્કોર 125 રન હતો. તે મેચ 15 ઓક્ટોબર 2006ના રોજ જયપુરમાં રમાઈ હતી.

જસપ્રીત બુમરાહે આ મેચમાં પોતાની ODI કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેણે 19 રનમાં છ વિકેટ ઝડપી હતી. ODI ક્રિકેટમાં ભારતનું આ ત્રીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા સ્ટુઅર્ટ બિન્નીએ ચાર રનમાં છ વિકેટ અને અનિલ કુંબલેએ 12 રનમાં છ વિકેટ ઝડપી છે. તે જ સમયે, ઇંગ્લેન્ડ સામે ભારતીય બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા 2003માં આશિષ નેહરાએ 23 રન આપીને છ વિકેટ લીધી હતી.

આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને જસપ્રિત બુમરાહે તેની પહેલી જ ઓવરમાં બે વિકેટ લઈને રોહિતના નિર્ણયને સાચો સાબિત કર્યો હતો. કેપ્ટન જોસ બટલરે 30, ડેવિડ વિલીએ 21 અને કાર્સે 15 રન બનાવીને ઈંગ્લેન્ડને 100ની પાર પહોંચાડી હતી. અંતે ઈંગ્લેન્ડની ટીમ 25.2 ઓવરમાં 110 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ છ વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીને ત્રણ અને પ્રખ્યાત કૃષ્ણાને એક વિકેટ મળી હતી.

2014માં ભારતે ઈંગ્લેન્ડમાં જીતી હતી છેલ્લી સીરીઝ
વનડે ક્રિકેટમાં ભારતની પાસે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ઈંગ્લેન્ડમાં 8 વર્ષ પછી સીરીઝ જીતવાનો મોકો છે. છેલ્લી વખતે 2014માં ટીમ ઈન્ડિયાએ અહીં વનડે સીરીઝ પર કબજો કર્યો હતો. ત્યારે શ્રેણી 3-1થી ભારતના નામે રહી હતી. જે બાદ 2018માં ત્રણ મેચની સીરીઝમાં આપણી ટીમ 1-2થી હાર્યું હતું. 2019ના વર્લ્ડ કપ અંતર્ગત પણ બંને ટીમ વચ્ચે 1 મેચ રમાઈ હતી. જેમાં પણ ઈંગ્લેન્ડે જીત મેળવી હતી.