પીએમ મોદીએ આજે અયોધ્યાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભેટમાં આપ્યું છે. તેમણે એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું.
અયોધ્યા એરપોર્ટ હવે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ કહેવાશે.
તેને 1,450 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. એરપોર્ટ ટર્મિનલ વિસ્તાર 6,500 ચોરસ મીટર છે. આ એરપોર્ટ પર વાર્ષિક આશરે 10 લાખ મુસાફરોની અવરજવર રહેશે.

મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન પર નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, ‘PM મોદીએ વૈશ્વિક માપદંડનું એરપોર્ટ બનાવવાનું કહ્યું હતું.
આ એરપોર્ટનું નિર્માણ રૂ. 500 કરોડના બજેટ સાથે કરવામાં આવ્યું છે અને તેમાં વાર્ષિક આશરે 10 લાખ યાત્રાળુઓ આવવાની અપેક્ષા છે. બીજા તબક્કામાં એરપોર્ટનું વધુ વિસ્તરણ કરવામાં આવશે.
3750 મીટરનો રનવે બનાવવામાં આવશે જેના પર બોઇંગ 777 અને એરબસ 350 ઉતરી શકશે. એરપોર્ટનો હાલનો વિસ્તાર 5 લાખ ચોરસ ફૂટ સુધી વધારવામાં આવશે.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે ભગવાન શ્રી રામની પ્રિય નગરી શ્રી અયોધ્યા તેની વર્ષો જૂની ભવ્યતાથી સુશોભિત છે. ભગવાનનું મંદિર બન્યું છે અને 22મી જાન્યુઆરીએ પ્રભુના આગમન પહેલા વડાપ્રધાને અયોધ્યાને સૌથી સુંદર શહેર તરીકે સ્થાપિત કરવાનો સંકલ્પ લીધો હતો.
ત્રેતાયુગમાં ભગવાન રામ પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા આવ્યા હતા અને આજે વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરીને અયોધ્યાની જનતાને ભેટ આપી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન રામ (મૂર્તિ) સ્થાપિત થશે અને 500 વર્ષથી ને રાહ જોવાતી હતી તેનો અંત આવશે.
આ પ્રસંગે સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ 22 જાન્યુઆરીની ઐતિહાસિક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. આવી સ્થિતિમાં અયોધ્યાના લોકોમાં ભારે ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે. હું ભારતની ધરતીના દરેક કણ અને ભારતની દરેક વ્યક્તિનો ઉપાસક પૂજારી છું. હું પણ તમારી જેમ જ ખૂબજ ઉત્સુક છું.
આજે અયોધ્યાના રસ્તાઓ પર જે પ્રેમ-ઉત્સાહ જોવા મળ્યો તે જોતા લાગી રહ્યું હતું કે જાણે આખું અયોધ્યા શહેર રસ્તા પર ઉતરી પડ્યું હતું.
આ પ્રેમ અને આશીર્વાદ માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય સિયાવર રામચંદ્ર ,30મી ડિસેમ્બરની તારીખ ખૂબ જ ઐતિહાસિક બની રહેશે.
PM મોદીએ ઉત્તર પ્રદેશમાં આજે રૂ. 15,700 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે હું 140 કરોડ દેશવાસીઓને 22 જાન્યુઆરીએ તેમના ઘરે શ્રી રામ જ્યોતિ પ્રગટાવવાની અપીલ કરું છું.
22 જાન્યુઆરીએ દેશભરમાં દિવાળીની ઉજવણી કરજો.
22 જાન્યુઆરીએ અયોધ્યા આવવું દરેક માટે મુશ્કેલ છે, તેથી 22 જાન્યુઆરીએ દરેક પોતાના ઘરે દિવા પ્રગટાવજો અને 22 જાન્યુઆરી બાદ ભગવાનના દર્શન કરવા જરૂર આવજો.