ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 2024ની લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટી કાઢવા ભારતીયોને અપીલ કરવા સાથે ‘અબકી બાર ભી મોદી સરકાર’નો નારો ગુંજ્યો હતો અને ફરી એકવાર ભારતના વડાપ્રધાન મોદીજી બને તેવી ઓસ્ટ્રેલિયામાં વસતા મૂળ ભારતીય પરિવારોએ હાકલ કરી ‘હું પણ મોદી પરિવાર’ના બેનર હેઠળ તા.6 એપ્રિલના રોજ કાર રેલીનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં મૂળ ભારતીય પરિવારો જોડાયા હતા તેમજ ભારતીય જનતા પાર્ટીના 45માં સ્થાપના દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી.
વિગતો મુજબ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં વસતા ગુજરાત,મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન,કર્ણાટક,કેરળ,દિલ્હી,ઉત્તર પ્રદેશ, ઓડિશા સહિતના રાજ્યોના મૂળ ભારતીય પરિવારો દ્વારા 26 કાર સાથે નીકળેલી રેલીમાં ભારતીયો દ્વારા ‘અબકી બાર 400 પાર’ ‘મે ભી મોદી’સહિત વિવિધ સુત્રોચાર કરી મોદીજીને બહુમતી સાથે જીતાડવા હાકલ કરી હતી.
મહત્વનું છે કે ભારતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપે 370થી વધુ અને પોતાના ગઠબંધન (NDA) માટે 400થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે ભારત સહિત વિદેશમાં પણ ત્યાં વસતા મૂળ ભારતીયો ચૂંટણી પ્રચાર કરી પોતાના દેશમાં મોદીજીને ફરી ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢવા આહવાન કરી રહયા છે.
ભારતીયો રેલી અને સભા કરી મોદીજીને સમર્થન કરી ભારતમાં વસતા લોકો વધુને વધુ મત આપે તેવી અપીલ કરી રહયા છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં પર્થ શહેરમાં ‘હું પણ મોદી પરિવાર’બેનર હેઠળ ભારતીયો દ્વારા કાર રેલી નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભારતીય મુળના પરિવારો જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં 2024ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં થવાની છે. પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થવાનું છે,સાથે જ ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. ત્યારે દેશ સહિત વિદેશમાં વસતા મૂળ ભારતીય પરિવારોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે