ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે. ચર્ચા છે કે, તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઇ શકે છે.
ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું છે.
ચર્ચા એવી પણ છે કે અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસમાંથી રાજીનામાં આપી શકે છે.
લોકસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસ અને AAPમાંથી નેતાઓ છેડો ફાડી રહયા છે ત્યારે ચૂંટણી સુધીમાં એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામુ આપવા સાથે જ કોંગ્રેસ ધારાસભ્યોનું સંખ્યાબળ ગુજરાતમાં ઘટીને 16 થઈ ગયુ છે.

મહત્વનું છે કે ચિરાગ પટેલ વર્ષ 2022માં ખંભાત બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી જીત્યા હતા. હજુ તો ચૂંટણીને માંડ એક વર્ષ પૂર્ણ થયુ છે. ત્યાં કોંગ્રેસના આ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. ચિરાગ પટેલ એક યુવા ચહેરો છે. તેઓ વાસણાના પૂર્વ સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે. તો ચરોતરનો અગ્રણી પાટીદાર ચહેરો પણ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની વાત કરવામાં આવેતો 182 સભ્યોની વિધાનસભામાં AAP MLA ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ સંખ્યા ઘટીને 181 થઈ હતી, ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામાં બાદ આ સંખ્યા ઘટીને 180 પર પહોંચી ગઈ છે.
આજે ચિરાગ પટેલ રાજીનામું આપતા કોંગ્રેસનું સંખ્યાબળ તુટીને 16 થઈ ગયું છે.
ચિરાગ પટેલ કોંગ્રેસમાંથી 2022ની વિધાસભાની ચૂંટણીમાં ખંભાતની બેઠક પરથી ઊભા રહી ભાજપના ઉમેદવાર મયુર રાવલને 3711 મતથી હરાવીને પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા.