ગુજરાતમાં ભાજપે ક્ષત્રિયોના આંદોલનને નજરઅંદાજ કરતા તેની સાઈડ ઇફેક્ટ પક્ષને મોટું નુકસાન કરાવશે તે હવે જગ જાહેર છે.
બીજી ખાસ વાત એ કે ક્ષત્રિય મહિલાઓ આંદોલન કરી રોડ ઉપર ઉતરી છતાં ભાજપ હાઇકમાન્ડને કોઈ અસર ન થઈ અને રૂપાલાને યથાવત રાખી ક્ષત્રિય સમાજને જાણે સામો પડકાર ફેંક્યો હોવાની લાગણી ક્ષત્રિય સમાજમાં પ્રસરી છે.

ખાસ કરીને ભાજપ માટે લોકોમાં ખુબજ માન છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે ક્ષત્રિય સમાજમાં એક ઈજ્જત છે તેઓએ રાત દિવસ એક કરી ઘણી મહેનત કરી છે અને મોદી માટે તેઓના દિલમાં એક સ્થાન છે ત્યારે હજુપણ સમય છે કે આ વાત મોદીજી સુધી લઈ તેઓને ગુજરાતની સ્થિતિ થી વાકેફ કરવામાં આવે તે જરૂરી છે.

સ્થાનિક ભાજપના આગેવાનોએ થોડું ડેમેજ કન્ટ્રોલ કરવાની જરૂર હતી કારણ કે કટ્ટર હિન્દુવાદી અને મહિલાઓની અસ્મિતા માટે અત્યારસુધી જે ભાજપની છાપ હતી તે છાપ ક્ષત્રિયોના માનસ માં હતી તે ડેમેજ થઈ છે અને તેની અસર લાંબા સમય સુધી રહેશે જે ગાઉન્ડ લેવલે ગામડાઓમાં આ સુર વ્યાપક છે.
જેઓ વર્ષો સુધી ભાજપ સાથે હતા તેઓમાં પણ નારાજગી છે જેની ભાજપે અવગણના કરી હોવાનો સૂર ઉઠ્યો છે.
હાલ ગામે ગામ જ્યાં જ્યાં ક્ષત્રિય વસે છે તેવા વિસ્તારમાં ભાજપનો વિરોધ ચાલુ છે ત્યારે હવે હિન્દુવાદી પાર્ટીએ એક મોટા વર્ગની અવગણના કરી હોવાનું જે રીતે સપાટી ઉપર આવ્યું છે તે સૌથી મોટું પરિબળ પાર્ટીની ઈમેજને નુકશાન કર્યું હોવાનું ક્ષત્રિય સમાજમાં સંભળાઈ રહ્યું છે.

સૌરાષ્ટ્રની રાજકોટની બેઠક પર ક્ષત્રિયો જેનો વિરોધ કરી રહયા છે તે ભાજપના પરશોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસના લેઉઆ પટેલ સમાજના  પરેશ ધાનાણી જંગમાં છે જેઓએ ક્ષત્રિય સમાજની બહેનોની તરફેણમાં ખૂલીને બોલ્યા છે અને જવતલિયા ભાઈ હોવાનું કહી ક્ષત્રિય સમાજની બહેનોનું સમર્થન કર્યું છે જેથી ક્ષત્રિયોના ચાલતા આંદોલન-વિરોધનો ફાયદો ધાનાણી થશે તેમ મનાય છે. બીજું કે પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર માંથી આવે છે અને પરેશ ધાનાણી લેઉઆ પાટીદાર છે.
આવા સમયે કડવા-લેઉવામાં મતોનું વિભાજન ઉપરાંત રાજકોટ બેઠક પર દોઢ લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે જેની અવગણના કરીને ભાજપે કરેલી ભૂલ ભારે પડી શકે છે.
રાજકોટ બેઠક ઉપર મુસ્લિમ 189653, કોળી 311503, એસસી 155008 જેટલા મતદારો છે અને અન્ય 3,98, 433 મતદારો રાજકોટ બેઠક પર છે, આ મતદારો નિર્ણાયક બની રહેવાના છે.
હાલમાં ગામડે ગામડે ભાજપનો વિરોધ થઈ રહ્યો હોય ગામડાઓમાં ભાજપને પ્રચાર કરવો મુશ્કેલ બન્યો છે આ સ્થિતિ માત્ર રાજકોટ ગ્રામ્ય માટે નથી પણ ગુજરાતના તમામ ક્ષત્રિય ગામડાઓમાં છે પરિણામે રાજકોટ બેઠક સિવાય અન્ય બેઠકો ઉપર પણ તેની અસરો થવાની છે.
એક તરફ ભાજપની હઠ અને બીજી તરફ ક્ષત્રિયોની જીદ ગુજરાત જ નહીં પણ દેશભરમાં ક્ષત્રિય સમાજમાં તેની ઊંડી અસરો કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નહીં હોવાનું જાણકારોનું માનવું છે ત્યારે હજુપણ સમય છે ક્ષત્રિય સમાજની લાગણી ભાજપ માટે અને ભાજપ તરફી જ છે ત્યારે મોદીજી ખુદ ગુજરાતમાં ચાલતા આંદોલન માટે રસ લેશે તો ધીના ઠામ માં ઘી પડી જશે!!!