CM અને CRની ઉપસ્થિતિમાં કમલમમાં કેસરિયો ખેસ ધારણ કરશે

hardik patel
Hardik Patel (File Pic)

નમસ્કાર ગુજરાત ન્યૂઝ અમદાવાદ
ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું છે કે તે 2 જૂને તેઓ ભાજપમાં જોડાશે. હાર્દિક પટેલે 18 મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તેમના આ પગલાને કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

હાર્દિક પટેલ 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા
હાર્દિક પટેલ 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા. 11 જુલાઈ 2020 ના રોજ તેમની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જો કે, 2022 સુધીમાં, તેઓ પાર્ટીથી મોહભંગ થઈ ગયા અને રાજીનામું આપી દીધું. કોંગ્રેસમાંથી રાજીનામું આપતા હાર્દિક પટેલે પાર્ટી હાઈકમાન્ડ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામું આપ્યું હતું. આ પત્રમાં તેમણે પાર્ટી વિશે ઘણી વાતો કહી હતી.

રાજીનામા પત્રમાં કોંગ્રેસ પર ઉગ્ર નિશાન સાધવામાં આવ્યું હતું
પોતાના રાજીનામાના પત્રમાં હાર્દિકે લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ પૂરતી રહી ગઇ છે, જ્યારે દેશની જનતાને વિરોધ નથી પણ એવો વિકલ્પ જોઈએ છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે અને આપણા દેશને આગળ લઈ જવાની ક્ષમતા ધરાવે. તેમણે પોતાના રાજીનામા પત્રમાં આગળ લખ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય કે GST લાગુ કરવાની વાત હોય, દેશ લાંબા સમયથી તેમનો ઉકેલ ઈચ્છે છે. પરંતુ, કોંગ્રેસ આમાં માત્ર અડચણરૂપ જ કામ કરતી રહી છે. કોંગ્રેસનું વલણ માત્ર કેન્દ્રનો વિરોધ કરવા પુરતું જ સીમિત હતું.