– સ્માઈલરામ-સાંઈરામ દવે
– ગુજરાતીઓએ ઈંગ્લીશ માટે વલખા માર્યા એમાં બાવાના બે’ય બગડયા અને આપણી ક્રિએટીવીટીનો ‘છેલ્લો દિવસ’ આવી ગયો
સાં ઈ ફિલ્લમની લાઈફમાં અને સાચી લાઈફમાં મેઈન ફર્ક શું ?’ અતુલે સવાલ કર્યો. મેં કહ્યું, ‘અતુલ ફિલ્લમમાં બે-અઢી કલાક સુધી હિરો હિરોઈન પ્રેમ કરે છે અને પરણવા માટે સંઘર્ષ કરી અંતે પરણી જાય છે. પરંતુ રીયલ લાઈફમાં પરણ્યા પછી બે’ય આખી જીંદગી સંઘર્ષ કરે છે.’
અતુલ કહે ખરી વાત છે યાર. સોસાયટીની એકાદ છોકરીને છોકરો આઈ લવ યુ કહે એ ભેગા શેરીના બીજા ચાલીસ છોકરા છોકરીઓ બેકગ્રાઉન્ડમાં નાચવા લાગે એવું તો કદી બનતું નથી. મેં કહ્યું વાસ્તવિકતામાં તો છોકરીના ભાઈના ચાલીસ મિત્રો છોકરાના હાડકા ખોખરા કરી નાંખે છે એવી ફિલ્લમ સૌએ જોઈ છે.
ફિલ્મોની અમુક બાબતો ખરેખર ગોટે ચડાવે એવી છે. શોલેમાં ગબ્બરસિંગને કુટુંબ કબીલો હતો નહી. બાયડી છોકરા હતા નહી તો એ કોના માટે લુંટ કરતો હતો ? આ યક્ષપ્રશ્નનો જવાબ મને બહુ ખુંચે છે. તો વળી આખા ગામમાં લાઈટ નહોતી એટલે જયાભાભી સાંજ પડયે ફાનસ પ્રગટાવતી એ બધા જાણે છે. તો પછી ધર્મેન્દ્રના સ્યુસાઈડ સીન માટે પાણીનો ટાંકો કેવી રીતે આવ્યો ? જે ગામમાં વીજળી સુધી વિકાસ ન પહોંચ્યો હોય એ પાણીના ટાંકા સુધી કેવી રીતે પહોંચી ગયો ?
બાહુબલીમાં ઠેઠ માહિષ્મતી નગરીમાંથી પે’લુ મહોરું દળતું દળતું નીચે હિરો પ્રભાસભાઈના હાથમાં આવે છે. વાહ રે મહોરું ! અમારા ઘરમાં તો ટેબલ પરથી પડેલી વસ્તુના ત્રણ કટકા થઈ જાય છે. માવા ફાકી ખાઈ ખાઈને અમારા જુવાનીયા’વ બે દાદરા ચડવામાં લીફ્ટ વાપરે છે નહીતર હાંફી જાય છે. આ પ્રભાસભાઈ સીડીયુ વગર તળેટીથી ગિરનાર સુધી પગથિયા વગર ચડી ગયો ગજબ હો બાકી ! નક્કી પ્રભાસભાઈ તમે સવાર સાંજ ચ્યવનપ્રાસ ખાતા હશો હો નહીતર આટલી શક્તિ આવે નહી.
છેલ્લા પાંચેક વર્ષમાં મેં ખાસ નોંધ્યુ છે કે બોલીવુડ ઉપર ‘ટોલીવુડ’ એટલે કે તેલુગુ ફિલ્મોનો દબદબો સવાર થઈ ગયો છે. સાઉથના ક્રીએટીવ સ્ટોરી રાઈટર્સ અને ડિરેક્ટરોએ બોલીવુડના કોપીબાજ કેટલાય દિગ્ગજોને ઉઘાડા પાડયા છે. બિચાકડા ખાન બંધુઓ પાસે શર્ટ કાઢીને નાચવા સિવાય કશું બાકી જ નથી રહ્યું. સાઉથની કેટલીક દમદાર ફિલ્મો જેનો સીન ટુ સીન બોલીવુડે કોપી મારવો પડે આથી વધારે ક્રીએટીવીટીનો પરચો બીજો કયો હોઈ શકે ?
જી હા, ગઝની, કહાની, દબંગ, સિંઘમ, દ્રશ્યમ, સ્વદેશ, નાયક, બોડીગાર્ડ, સદમા અને ભૂલભૂલૈયા…! આવું લાંબુ લચક લીસ્ટ થાય એમ છે દોસ્તો. આ બધી ફિલ્મો સાઉથમાંથી બેઠી રીમેક કરવામાં આવી. ક્રિએટીવીટીને માતૃભાષા સાથે સીધો સંબંધ છે એ સાઉથવાળાઓએ સાબિત કરી દીધુ. જેના પરિણામે તેઓ બ્લોકબસ્ટર પંદરસો કરોડ કમાઈ આપે એવી શુદ્ધ અને પારિવારિક ‘બાહુબલી’ બનાવી શક્યા. આ બાજુ ગુજરાતીઓએ ઈંગ્લીશ માટે વલખા માર્યા એમાં બાવાના બે’ય બગડયા અને આપણી ક્રિએટીવીટીનો ‘છેલ્લો દિવસ’ આવી ગયો. ગોલીવુડ ગાંઠ વાળે તો ટોલીવુડના ટક્કા તોડી નાંખે એમ છે પણ ગાંઠ વાળે તો ને ?
દાઢીવાળા હિરો ન ચાલે, ફાંદવાળા તો બિલકુલ ન ચાલે, સીંગલ બોડીવાળા તો હીટ થાય જ નહી આવી તમામ ભ્રમણાઓને સાઉથવાળાઓએ ભાંગીને ભૂક્કો કરી નાંખી.
ટીવી ચેક કરજો સવારથી સાંજ સુધી કોઈપણ ચેનલમાં સાઉથની ફિલ્મો જ ચાલતી હશે. સાઉથના તમામ હિરો રજનીકાંતની જેમ કોઈ વિશિષ્ટ દૈવી શક્તિ ધરાવતા હોય છે. એ લોકો જયારે ફાઈટીંગ કરે છે ત્યારે પંચમહાભૂત તેના પુરા કંટ્રોલમાં હોય છે. સાઉથના હિરોની સામે ચાલીસ જણાનું ટોળું હથિયારો સમેત દૌડતું આવતું હોય ત્યારે ધનુષ જેવો સીંગલ બોડીનો હિરો ખાલી જમીનમાં પગ ઘસે છે. એ પગ ઘસવાથી ધૂળની એક ભવ્ય
ડમરી ઉત્પન્ન થાય છે. માઈક્રોસેકન્ડમાં એ ધૂળની ડમરી ચક્રવાત બનીને વાયુદેવની કૃપાથી પેલા ચાલીસમાંથી પાંત્રીસ ગુંડાઓને ઉડાડીને દૂર ફેંકી દે છે. બાકીના બચેલા પાંચ ગુંડાઓને હિરો ધનુષ એક જ ધુંબો મારે છે એ ભેગા એ પાંચે’ય ભોંયભેગા ધૂળ ચાટતા થાય છે. પરંતુ આ બધા ચમત્કારો સાઉથની ફિલ્મોમાં જ શક્ય છે. આપણે જો ધનુષની જેમ પગ ઘસીએ તો નવા નક્કોર સાડા ચારસો રૂપિયાના ચપ્પલ બેશક તૂટી જાય અને બાપુજી પાંત્રીસ મેણા મારે એ નોંખા.
સાઉથની એક ફાઈટીંગમાં અતિશયોક્તિ અલંકારના બાપુજી મેં મારી સગી આંખે નિહાળેલા. જેમાં એક કાળો મશ હિરો ચોકમાં ફટાકડી જેવી હિરોઈન સાથે કેળા ખાતો હોય છે. એટલામાં ત્રણ ગુંડા દૌડતા આવીને હિરોઈનની છેડતી કરવા જાય છે. ત્યારબાદ જે બન્યુ તે ઘટના જોરદાર હતી. પેલા કાળિયા હિરોએ અડધુ ખાધેલુ કેળુ એક ગુંડાને માર્યું અને ગુંડાની છાતી ચીરાય ગઈ. બાકી વધેલી છાલના બે ટૂકડા બીજા બે ગુંડાને માથામાં માર્યા અને એ ગુંડાના માથા ફૂંટી ગયા. બોલો લ્યો ! આ ફાઈટીંગ જોયા પછી મેં કેળાનો ત્યાગ કર્યો છે. ક્યાંક જીભ બીભ કપાય જાય અને બોલવાનો ધંધો ભાંગી પડે તો ! ટોલીવુડના અમુક સીન્સ શેખચલ્લીના પરદાદાઓએ લખ્યા હોય એવું મને સતત લાગ્યા કરે છે.
ક્રિકેટમાં જે રીતે દડાની બે-ત્રણ ટપ પાડવામાં આવે છે. સાઉથની ફાઈટીંગમાં હિરો જયારે કોઈને મુક્કો મારે ત્યારે એ ગુંડાની પણ બે-ત્રણ ટપ અવશ્ય પડે છે. એક ફાઈટીંગ જે મને ઘણીવાર સપનામાં આવે છે એની વાતથી હું લેખ ટુંકાવા માંગુ છું. આઠ-દસ ગુંડાઓથી ઘેરાયેલો એક સાઉથનો હિરો જોરથી ત્રાડ નાંખે છે અને બાજુમાં પડેલી જે.સી.બી (વ.ભ.મ્.) પર જોરથી હાથ પછાડે છે. સેકન્ડના છઠ્ઠા ભાગ પછી એ વ.ભ.મ્.નો આગલો લોખંડનો ભાગ ઢફ કરતો એની મેળે નીચે પડી જાય છે…! જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ, અત્ર તત્ર સર્વત્રથી ટોલીવુડના હિરો વ્યાપ્ત છે. બોલીવુડ તેની કોપીમાં વ્યસ્ત છે, અને ગોલીવુડ કોપીની કોપી કરવામાં મગ્ન છે.
સાઉથના ફિલ્મ મેકર્સ તેના હિરોને નેક્સ્ટ ટુ ગોડ મુકીને ખુબ ઉંચા સ્થાને બેસાડે છે. અફસોસ આપણે આપણી ગુજરાતી ફિલ્મના હિરોને હિરોના સ્થાને બેસાડવામાં પણ નિષ્ફળ ગયા છીએ. ગુજરાતમાં ફિલ્મસ્ટારને પદ્મશ્રી મેળવવા માટે પહેલા મરી જાવુ પડે છે. કડવું છે પણ સાવ સાચું છે. સાંઈરામના સ્માઈલરામ
ઝટકો :
કેટલું સારુ હોત જો જગત નાના બાળકો ચલાવતાં હોત ! કારણ કે નાના બાળકો બીજાની તુલનામાં જીવનથી વધુ નજીક હોય છે.
– સદગુરુ જગ્ગી વાસુદેવ