હાઉસિંગ મંત્રી ક્રિસ બિશપે ઓકલેન્ડમાં કરી જાહેરાત; જોકે કડક બિલ્ડિંગ કોડ અને શરતોનું પાલન કરવું રહેશે ફરજિયાત
ઓકલેન્ડ (15 જાન્યુઆરી, 2026): ન્યુઝીલેન્ડ સરકારે દેશમાં ઘરની અછતને પહોંચી વળવા માટે આજથી એક મહત્વપૂર્ણ સુધારો લાગુ કર્યો છે. હવે ઘરમાલિકો તેમના બેકયાર્ડમાં 70 ચોરસ મીટર (70sqm) સુધીના નાના મકાનો અથવા ગ્રેની ફ્લેટ્સ કોઈ પણ પ્રકારના રિસોર્સ કે બિલ્ડિંગ કન્સેન્ટ (પરવાનગી) વગર બનાવી શકશે.
હાઉસિંગ મંત્રી ક્રિસ બિશપે ઓકલેન્ડના રિવરહેડ (Riverhead) ખાતે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “આ ફેરફારથી કિવિ પરિવારોને વધુ લવચીકતા મળશે અને મકાન બનાવવાના ખર્ચમાં ઘટાડો થશે. જોકે, આ કોઈ ‘ફ્રી-ફોર-ઓલ’ (સંપૂર્ણ મનમાની) નથી; દરેક બાંધકામે કડક ધારાધોરણોનું પાલન કરવું જ પડશે.”
બાંધકામ માટેની મુખ્ય શરતો: ભલે કન્સેન્ટની જરૂર નથી, પરંતુ નીચે મુજબની શરતોનું પાલન કરવું અનિવાર્ય છે:
- ડિઝાઇન: બાંધકામ એક માળનું (Single-storey) અને સાદી ડિઝાઇનનું હોવું જોઈએ.
- બિલ્ડિંગ કોડ: તમામ ફ્લેટ્સ ન્યુઝીલેન્ડના ‘બિલ્ડિંગ કોડ’ મુજબના હોવા જોઈએ.
- વ્યાવસાયિક દેખરેખ: બાંધકામ લાયસન્સ ધરાવતા બિલ્ડિંગ પ્રોફેશનલ્સ (LBPs) દ્વારા અથવા તેમની દેખરેખ હેઠળ જ થવું જોઈએ.
- અંતરની મર્યાદા: બાઉન્ડ્રી (સીમા) થી નક્કી કરેલા અંતર અને સાઇટ કવરેજના નિયમો લાગુ રહેશે.
- ખતરાના વિસ્તારો: આ છૂટછાટ ફ્લડ ઝોન (પૂરગ્રસ્ત વિસ્તારો) માં લાગુ પડશે નહીં.
કાઉન્સિલને જાણ કરવી જરૂરી બિલ્ડિંગ મંત્રી ક્રિસ પેન્કે સ્પષ્ટ કર્યું છે કે ભલે પરવાનગી લેવાની જરૂર નથી, પરંતુ ઘરમાલિકોએ બાંધકામ શરૂ કરતા પહેલા અને પૂર્ણ થયા પછી સ્થાનિક કાઉન્સિલને જાણ કરવી પડશે. આ એટલા માટે જરૂરી છે જેથી સરકારી રેકોર્ડમાં મકાનની વિગતો રહે અને ભવિષ્યમાં ડ્રેનેજ, વોટર સર્વિસ અને ટેક્સ (Rates) ગણવામાં સરળતા રહે.
આર્થિક ફાયદો અને સમયની બચત રિજનલ ડેવલપમેન્ટ મંત્રી શેન જોન્સે જણાવ્યું હતું કે આ નવા સુધારાથી દરેક ફ્લેટ દીઠ અંદાજે $5,600 (NZD) ના ખર્ચની બચત થશે અને બાંધકામની પ્રક્રિયા લગભગ 14 અઠવાડિયા વહેલી પૂર્ણ થઈ શકશે. આ ફેરફારથી વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને ગ્રામીણ કામદારોને રહેવા માટે સસ્તા અને સારા મકાનો મળી રહેશે.