બરોડાથી લંડન સુધી સારવાર કરાવી પરંતુ આખરે જિંદગીનો જંગ હાર્યા ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર-કોચ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ, BCCIએ સારવાર માટે 1 કરોડની કરી હતી મદદ

ગાયકવાડે તેની 40 ટેસ્ટ મેચોની કારકિર્દીમાં 30.07ની સરેરાશથી 1985 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 10 અડધી સદી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 201 રન હતો, જે તેણે પાકિસ્તાન સામે બનાવ્યો હતો

પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ અંશુમન ગાયકવાડનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. અંશુમનની હાલત જોઈને કપિલ દેવે મદદ કરવાની પહેલ કરી હતી. કપિલે અંશુમનની મદદ માટે પોતાનું પેન્શન દાન કરવાનો નિર્ણય લીધો હતો.

મોહિન્દર અમરનાથ, સંદીપ પાટીલ, મદન લાલ અને કીર્તિ આઝાદ પણ તેમના સાથી ખેલાડીઓની મદદ માટે આગળ આવ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ મદદ કરી અને અંશુમનની સારવાર માટે 1 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અંશુમનની નોંધપાત્ર સિદ્ધિઓ
અંશુમને 27 ડિસેમ્બર 1974ના રોજ કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ટેસ્ટ મેચમાં તેનો છેલ્લો દેખાવ કોલકાતા ટેસ્ટમાં હતો જે 1984ના છેલ્લા દિવસે ઇંગ્લેન્ડ સામે શરૂ થયો હતો.
ગાયકવાડે તેની 40 ટેસ્ટ મેચોની કારકિર્દીમાં 30.07ની સરેરાશથી 1985 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 10 અડધી સદી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 201 રન હતો, જે તેણે પાકિસ્તાન સામે બનાવ્યો હતો. ગાયકવાડે ભારત માટે 15 ODI મેચોમાં પણ ભાગ લીધો હતો, જેમાં તેના નામે 20.69ની એવરેજથી 269 રન છે.

શાનદાર રહ્યું ફર્સ્ટ ક્લાસ કરિયર
71 વર્ષીય અંશુમને 206 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 41.56ની એવરેજથી 12,136 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 34 સદી અને 47 અડધી સદી આવી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 225 રન હતો. આ સિવાય ગાયકવાડે 55 લિસ્ટ-એ મેચો પણ રમી હતી, જેમાં તેણે 32.67ની એવરેજથી કુલ 1601 રન બનાવ્યા હતા.

નિવૃત્તિ પછી કોચિંગમાં કારકિર્દી બનાવી
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી અંશુમને કોચિંગને તેની કારકિર્દી તરીકે લીધી. તેઓ 1997-99 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હતા. ગાયકવાડે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) માટે પણ કામ કર્યું હતું અને 2000માં આ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા.

જૂન 2018 માં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગાયકવાડને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા. અંશુમન ગાયકવાડના પિતા દત્તા ગાયકવાડે પણ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.