કેનેડાના બ્રિટીશ કોલમ્બિયાના સર્રીમાં ખાલિસ્તાનીઓએ લક્ષ્મી નારાયણ મંદિરના અધ્યક્ષ એવા સતીશ કુમારના મોટા પુત્રના ઘર પર ગોળીઓ ચલાવી દહેશતનો માહોલ ઊભો કર્યો હતો.
ખાલીસ્તાનીઓ દ્વારા આ રીતે હિન્દૂ મંદિર અને મંદિર સાથે સંકળાયેલા પરિવારને ટાર્ગેટ કરાઈ રહયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘર પર 11 થી 14 ગોળી ચલાવવામાં આવી હતી.
આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરને ઘણું નુકસાન થયું છે.
પોલીસ સીસીટીવી મેળવી આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના એ જ શહેરમાં બની હતી જ્યાં ખાલિસ્તાની નિજ્જરની હત્યા કરવામાં આવી હતી.
27 ડિસેમ્બર, 2023ના રોજ સવારે આશરે 8:00 વાગ્યે, સરેમાં 80 એવન્યુના 14900 બ્લોકમાં ગોળી ચલાવવામાં આવી હતી.
ત્યારબાદ સરે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના નિવેદનમાં જાણવા મળ્યું કે જે ઘરમાં ગોળી ચલાવવામાં આવી હતી તે એક હિન્દુ મંદિરના વડાના મોટા પુત્ર અમન કુમારનું ઘર હતુ જેઓ બિઝનેસમેન પણ છે.

ગોળીબારની ઘટના ઘટનાસ્થળે પહોચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
સરેના RCMP જનપાલ ઇન્વેસ્ટિગેશન યુનિટે પણ તપાસ હાથ ધરી છે અને આ હુમલા પાછળનું કારણ જાણવા કાર્યવાહી શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે કેનેડામાં સક્રિય ખાલિસ્તાની તત્વોના કારણે હિંદુ મંદિરો પર હુમલાની ઘટનાઓ અત્યાર સુધી ઘણી વખત સામે આવી છે. મંદિર પ્રમુખના પુત્રના ઘર પર આ હુમલા અગાઉ પણ ખાલિસ્તાનીઓ દ્વારા મંદિરને પણ નિશાન બનાવી લક્ષ્મી નારાયણ મંદિરમાં ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
તેવી જ રીતે ટોરોન્ટોમાં પણ મંદિરની અંદર તોડફોડની ઘટના સામે આવી હતી.
આ સિવાય બ્રેમ્પટનમાં એક મુખ્ય હિન્દુ મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી આમ સતત હુમલા ચાલુ રહયા છે ત્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.