જનસહાયક ટ્રસ્ટ – હિરામણી શૈક્ષણિક સંકુલ દ્વારા પ્રકાશિત કરાઇ છે માર્ગદર્શિકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શૈક્ષણિક અને વ્યવસાયલક્ષી માર્ગદર્શિકા ‘ઉડાન’નું વિમોચન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ઉચ્ચ શૈક્ષણિક કારકીર્દી ઘડતર તથા ઉદ્યોગોને અનુરૂપ કુશળ માનવબળ પુરૂં પાડવા વ્યવસાયલક્ષી અભ્યાસનું માર્ગદર્શન આ વિશેષાંક સુપેરે પુરૂં પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનસહાયક ટ્રસ્ટ-હિરામણી શૈક્ષણિક સંકુલ દ્વારા પ્રકાશિત કરાયેલી આ ‘ઉડાન’ પુસ્તિકાનું વિમોચન ટ્રસ્ટના ચેરમેન અને સાંસદ નરહરિ અમીનની ઉપસ્થિતીમાં અમદાવાદ માં કર્યુ હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યની યુવાશક્તિને વર્લ્ડકલાસ એજ્યુકેશન, વિશ્વકક્ષાનું જ્ઞાન આપવા શરૂ કરેલી વિવિધલક્ષી અભ્યાસ-શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટીઓની પહેલથી હવે છાત્રો માટે ઘરઆંગણે જ ઉચ્ચશિક્ષણના અવસરો મળતા થયા છે. તેમણે ઉમેર્યુ કે, બદલાતા સમય સાથે હવે ઉદ્યોગોને અનુરૂપ માનવ બળ પણ રાજ્યમાં મળે તે માટે વ્યવસાયલક્ષી વોકેશનલ ટ્રેનિંગને પણ રાજ્ય સરકારે મહત્વ આપ્યું છે. એ સંદર્ભમાં જે યુવાનોને આવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં રૂચિ હોય તેમને પણ આવી માર્ગદર્શિકા ઉપયોગી બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, વડાપ્રધાનએ સમયાનુકુલ નવી શિક્ષણ નીતિ દેશમાં ઘડી છે. ગુજરાતે પણ આધુનિક ટેક્નોલોજીયુકત જ્ઞાન વિદ્યાર્થીઓને મળી રહે તે માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં ૧૬ હજારથી વધુ સ્માર્ટ કલાસીસ અને ૭૮૦થી વધુ સરકારી શાળાઓમાં ‘લર્નિંગ બાય ડૂઇંગ’નો નવતર કોન્સેપ્ટ અપનાવેલો છે. ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, હાલના સ્પર્ધાત્મકતાના યુગમાં પોતાના સંતાનની કારકીર્દી અને શિક્ષણ માટે માતા-પિતા પણ ચિંતીત હોય છે. આપણે બાળકને તેની રસરૂચિ મુજબના અભ્યાસક્રમ, કારકીર્દીમાં આગળ વધવાની તક આપવી જોઇએ એવો મત પણ તેમણે દર્શાવ્યો હતો. જનસહાયક ટ્રસ્ટના પ્રમુખશ્રી અને રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીને પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે જનસહાયક ટ્રસ્ટ દ્વારા હિરામણી સ્કૂલના આચાર્ય અને શિક્ષકોના અથાક પ્રયત્નોથી ધોરણ ૧૦-૧૨ પછી ઉચ્ચતર શિક્ષણ મેળવવા માટે કારકિર્દી વિષયક જ્ઞાન મળી રહે તેવા અભ્યાસક્રમો અને વ્યવસાયલક્ષી માર્ગદર્શન માટે ‘ઉડાન’ પુસ્તકમાં માહિતી પુરી પાડવામાં આવી છે.
સમગ્ર રાજયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની લાઈબ્રેરી, કોલેજ, રમતગમત સંકુલ અને ગામેગામ આ પુસ્તક વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાનાં માનવીની ચિંતા કરીને શિક્ષણ, આરોગ્ય, રમતગમતની સુવિધાઓમાં અનેકગણો વધારો કર્યો છે. જેના ફળ સ્વરૂપે આજે ગુજરાતમાં ૧૦૦થી વધુ યુનિવર્સિટી છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આનાથી વધુ સારી સગવડ દેશના અન્ય રાજ્યોમાં નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ પુસ્તક થકી ધોરણ ૧૦-૧૨ પછી આગળ અભ્યાસ માટે વિધાર્થીઓને અનેકગણું માર્ગદર્શન મળી રહેશે તેવો વિશ્વાસ નરહરિ અમીને વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટના ટ્રસ્ટી પદ્મશ્રી ડૉ.ચંદ્રકાન્ત મહેતા, GLS યુનિ.ના પ્રમુખ સુધીરભાઈ નાણાવટી, ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી, સેક્રેટરી, ઉપપ્રમુખ, આચાર્ય શિક્ષકો અને જીવન સંધ્યાના વડીલો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.