ગાંધીનગરના ધૈર્ય શ્રોફે સાર્થક દેશપાંડેનો સૌથી યુવા વયનો ભારતનો રેટેડ ખેલાડીનો રેકોર્ડ તોડયો
૧ મે, ૨૦૨૨ના રોજ ૫ વર્ષનો ગાંધીનગરના ધૈર્ય શ્રોફે સાર્થક દેશપાંડેનો સૌથી યુવા વયનો ભારતનો રેટેડ ખેલાડી તરીકેનો રેકોર્ડ તોડયો છે. ધૈર્યએ આ રેકોર્ડ માત્ર ૫ વર્ષ ૪ મહિના અને ૨ દિવસમાં જ તોડ્યો છે. ધૈર્યને બ્રેઈન ટ્રેઈન ચેસ એકેડેમીના રાજેન્દ્રસિંહ ચાવડા દ્વારા તાલીમ મળી છે. હાલમાં વર્લ્ડ રેન્કિંગમાં ધૈર્ય અન્ડર-૬ વિભાગમાં ચોથા સ્થાન પર છે. ધૈર્યએ તેનું રેટીંગ ત્રીજી ગુજરાત ઈન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ કે જે અમદાવાદ ખાતે તા.૩૧ માર્ચ થી ૭ એપ્રિલ, ૨૦૨૨ દરમ્યાન રમાયેલ હતી તેમાં પણ પ્રાપ્ત કર્યું હતું. આ પહેલા તેણે તીર્થ ચેસ ઓપન રેટેડ ટુર્નામેન્ટમાં રેટેડ ખેલાડીઓ સામે મેચ જીતી હતી. તેણે તેનું પ્રથમ રેટીંગ સૌથી યુવા વયે એટલે કે ૫ વર્ષ ૪ મહિનામાં પ્રાપ્ત કરેલ છે જ્યારે ફીડે રેટીંગનું મે, ૨૦૨૨નું લીસ્ટ પ્રકાશિત કરવામાં આવ્યું અને તેનું રેટીંગ ૧૦૭૪ છે. આ રીપોર્ટમાં ધૈર્યએ કેવી રીતે ભારતીય ચેસમાં રકોર્ડ સિદ્ધિ હાંસલ કરી તે જણાવીશું.
તેને ચેસ અંગેનું જ્ઞાન તેના પિતા ઓનલાઈન ચેસ રમતા જાેઈ માત્ર ૪ વર્ષની ઉંમરથી જ મેળવ્યું છે. સાથોસાથ તેને ચેસ બોર્ડ અને ચેસના નિતી નિયમોનું પણ જ્ઞાન આપવામાં આવ્યું અને તે સરળતાથી પ્રાપ્ત કરી લીધું હતું. ધૈર્યએ આ રમત ખૂબ જ ઝડપથી શીખી લીધી અને તે પોતાના પિતાને દિવસ દરમિયાન રમાતી ૧૨ થી ૧૪ ગેમમાં હરાવી દેતો હતો. ત્યારબાદ તેને તાલીમબધ્ધ જ્ઞાન બ્રેઈન ટ્રેઈન ચેસ એકેડેમીના રાજેન્દ્રસિંહ ચાવડા દ્વારા આપવામાં આવ્યું અને તેમની દેખરેખ હેઠળ તેણે આ અદ્ભૂદ સિદ્ધિ હાંસલ કરી છે.