–અગાઉ 2016-2017-2020અને હવે 2023માં દાઉદના મોતની વાત માત્ર અફવા બની રહી

પાકિસ્તાનના કરાચીમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચાર અને કેટલાક મીડિયા રિપોર્ટસમાંતો દાઉદનું મોત થઈ ગયાની વાતોએ દિવસભર અનેક ચર્ચાઓ રહી પણ આખરે દાઉદના ખાસ માણસ છોટા શકીલે દાઉદના મોતને અફવા ગણાવી કહ્યું કે તે સંપૂર્ણ સ્વસ્થ છે.

જોકે,આ પહેલી વખત આવું નથી બન્યું આ અગાઉ પણ ત્રણ વખત દાઉદના મોતની ખબર સામે આવી ચુકી છે.
આપને જણાવી દઈએ કે ક્યારે ક્યારે આવા અહેવાલો આવ્યા હતા તે વિગતથી જાણીએ.
સૌથી પહેલા વર્ષ 2016માં એવા અહેવાલ સામે આવ્યા હતા કે દાઉદ પડી જતા ઘાયલ થયો હતો અને તેને ડાયાબિટીસને હોવાના કારણે ઈજા મટી ન શકી અને બાદમાં ગેંગરીનમાં ફેરવાઈ ગઈ જેમાં ગેંગરીનને કારણે દાઉદનો પગ કાપવો પડ્યો હતો. બાદમાં સમાચાર આવ્યા કે ગેંગરીનને કારણે તેનું મોત થઈ ગયું.
જોકે,બાદમાં આ અહેવાલો ખોટા સાબિત થયા હતા.

ત્યારબાદ વર્ષ 2017ની વાત કરવામાં આવેતો પાકિસ્તાની મીડિયા દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો કે દાઉદ ઇબ્રાહિમને હાર્ટ એટેક આવતા તેને ગંભીર હાલતમાં કરાચીની આગા ખાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં દાઉદને બ્રેઈન ટ્યુમરની પણ સારવાર કરાઈ હતી અને બાદમાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો જે બાદ તેમનું મોત થયું હતું. ત્યારબાદ દાઉદના ખાસ સાથી મનાતા છોટા શકીલે મોતના આ સમાચારને ખોટા અને અફવા ગણાવ્યા હતા

જે બાદ વર્ષ 2020માં પાકિસ્તાનમાં છુપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદનું કોરોના સંક્રમણને કારણે મોત થયાના સમાચાર આવ્યા હતા.

તે વખતે પણ જૂન 2020માં એજન્સીઓને ટાંકીને અહેવાલો આવ્યા હતા કે દાઉદ અને તેની પત્ની કોરોના સંક્રમિત થતાં તેઓને સારવાર માટે કરાચીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તે વખતે પણ દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનીસ ઈબ્રાહિમે આ અહેવાલોનો રદિયો આપ્યો હતો અને અનીસે દાવો કર્યો કે ભાઈ દાઉદ અને પરિવારના તમામ સભ્યો સ્વસ્થ છે અને કોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી.
જ્યારે હવે 18 ડિસેમ્બર 2023માં ફરી અહેવાલો આવ્યા છે કે શુક્રવારે
દાઉદને ઝેર અપાયું છે અને તેને ગંભીર સ્થિતિમાં પાકિસ્તાનમાં કરાંચીની હોસ્પિટલમાં લઈ જવાયો છે તો કેટલાક અહેવાલોમાં મોત થયાની વાતો પણ ચાલી હતી જોકે,આ વાતને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી.
આમ,અગાઉની જેમ ફરી આવા અહેવાલોએ ભારે ચકચાર જગાવી હતી જેને કોઈ સત્તાવાર સમર્થન મળી શક્યું નથી.
આમ,આ રીતે દર વખતે દાઉદના મોતના અહેવાલો આવતા રહે છે પણ તેને સત્તાવાર સમર્થન મળી શક્યું નથી.

મહત્વનું છે કે વર્ષ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં 250 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારો ઘાયલ થયા હતા,આ ઘટના પછી જ તેને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો ત્યારથી તેણે પાકિસ્તાનમાં આશરો લીધો છે અને પાકિસ્તાન દાઉદની પોતાના દેશમાં હાજરીને નકારતું રહ્યું છે.
દરમિયાન દાઉદને ઝેર અપાયું હોવાના અને કથિત મોત અંગેના અહેવાલો દિવસભર લોકોમાં ચર્ચાનો વિષય બન્યા હતા.
જોકે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના મોતના દાવા વચ્ચે છોટા શકીલે સમગ્ર મામલે ખુલાસો જાહેર કર્યો છે. છોટા શકીલે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવિધ દાવાઓને ફગાવી દીધા અને કહ્યું કે દાઉદ ઈબ્રાહિમના મોતના સમાચાર બકવાસ છે. તેણે કહ્યું, ‘અવારનવાર દાઉદના જન્મદિવસ પર મોતના સમાચાર આવે છે. તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.” સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતની સુરક્ષા એજન્સીઓએ પણ મૃત્યુના સમાચારને નકારી કાઢ્યા છે.