ભારતની રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે.
લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે,દરમિયાન, હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે એટલે કે શુક્રવારે તા.5 જાન્યુઆરીના 2024ના રોજ ઘણા રાજ્યોમાં તીવ્ર ઠંડી તો કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
દિલ્હીના હવામાનની વાત કરીએ તો અહીં ઠંડી દિન પ્રતિદિન વધી રહી છે. IMDનું કહેવું છે કે આજે રાજધાની દિલ્હીના ઘણા ભાગોમાં ઠંડીનું મોજું તીવ્ર બનશે,આ સાથેજ તા. 9 જાન્યુઆરીએ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત થઈ છે પરિણામે વરસાદ બાદ દિલ્હીનું તાપમાન વધુ ઘટશે.
હવામાન વિભાગે રાજધાની દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે.
IMD અનુસાર, આજે શુક્રવારે તા.5 જાન્યુઆરીએ ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ઠંડીનું મોજું તીવ્ર રહેવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. હિમાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના વિવિધ ભાગોમાં 5 થી 7 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસનું એલર્ટ છે.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી બે દિવસ માટે ધુમ્મસને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
બીજી તરફ, સ્કાયમેટ હવામાન એજન્સી અનુસાર, તામિલનાડુમાં આજથી આગામી તા. 8 જાન્યુઆરી સુધી ભારે વરસાદ પડી શકે છે.
આ સિવાય કેરળમાં 6 જાન્યુઆરીએ અને કર્ણાટકમાં 5 જાન્યુઆરીએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.