સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઝડપી સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે EDને નોટિસ પાઠવીને 24 એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટ હવે કેજરીવાલ કેસની સુનાવણી 29 એપ્રિલે કરશે.
સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દાવો કર્યો હતો કે કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરવામાં આવી છે,તેમણે કેસની આગામી સુનાવણી ઝડપથી હાથ ધરવાની માંગ કરી હતી તેના પર કોર્ટે કહ્યું કે 29 એપ્રિલ પહેલા સુનાવણી ન થઈ શકે.

કેજરીવાલના વકીલે 19 એપ્રિલે જ સુનાવણી માટે કેસની સૂચિ બનાવવાની માંગ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેની વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને 29 એપ્રિલે સુનાવણી માટે કેસની સૂચિબદ્ધ કરી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે.
નોંધનીય છે કે કેજરીવાલે દારૂ નીતિ કૌભાંડમાં તેમની ધરપકડને પડકારતા દિલ્હી હાઈકોર્ટનો અરજી કરી પરંતુ તેમને હાઈકોર્ટમાંથી રાહત મળી ન હતી, ત્યારબાદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.