કેનેડા પોલીસે ખાલિસ્તાન આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને ષડયંત્રના આરોપમાં 3 આરોપીઓની ધરપકડ કરી, હત્યારાઓના તાર લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે જોડાયેલા હોવાના રિપોર્ટ
કેનેડિયન પોલીસે કેટલાક મહિનાઓ અગાઉ કેનેડામાં શંકાસ્પદોની ઓળખ કરી હતી અને તેમને નજીકથી દેખરેખ હેઠળ રાખ્યા હતા.
તમને જણાવી દઈએ કે શીખ નેતા નિજ્જરની 18 જૂનના રોજ વાનકુવર ઉપનગર સરેમાં શીખ મંદિરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
કેનેડાની પોલીસે (Canada Police) કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની (Khalistani Hardeep Singh Nijjar) હત્યા માટે જવાબદાર કેટલાક લોકોની ધરપકડ કરી છે. CBC ન્યૂઝે શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે ગયા વર્ષે 18 જૂને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધમાં ત્રણ શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ન્યૂઝ રિપોર્ટ અનુસાર, પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા લોકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી અને પોલીસે આ સંબંધમાં હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. જોકે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે સમગ્ર વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું છે. આ સમયગાળા દરમિયાન ધરપકડ કરાયેલા લોકો લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હતા.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, કોર્ટના દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે કરણપ્રીત સિંહ, કમલપ્રીત સિંહ અને કરણ બ્રાર પર નિજ્જરની હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.
આ ખૂબ જ સારી અને સખત મહેનત છે – પીએમ ટ્રુડો
હકીકતમાં, કેનેડિયન પોલીસ આ કેસમાં અન્ય ત્રણ હત્યાઓની પણ તપાસ કરી રહી છે, જેમાં ગયા વર્ષે 20 સપ્ટેમ્બરે સુખદુલ સિંહ ગિલ અને 9 નવેમ્બરના રોજ એડમન્ટનમાં હરપ્રીત ઉપ્પલ અને તેના 11 વર્ષના પુત્રની હત્યાનો સમાવેશ થાય છે. બંને કથિત રીતે ગેંગ સાથે સંકળાયેલા હતા.
ગયા રવિવારે ટોરોન્ટોમાં પંજાબી ભાષાના મીડિયા સાથેની વાતચીત દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની ચાલી રહેલી તપાસ વિશે કહ્યું હતું કે, “તે ખૂબ જ સારું અને સખત કામ છે. જ્યારે પોલીસ તપાસ પૂર્ણ કરવાનો સમય આવશે, ત્યારે ઘણી બાબતો સ્પષ્ટ થશે જે જવાબદારીઓ અને સંડોવણીના સંદર્ભમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં દરેકને દેખાશે.
જૂન 2023માં નિજ્જરની હત્યા કરવામાં આવી હતી
ગયા વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો હતો.
પીએમ ટ્રુડોએ પણ ભારત પર આરોપ લગાવ્યો હતો
જણાવવામાં આવી રહ્યું છે કે ગત વર્ષે 18 સપ્ટેમ્બર 2023ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારતીય એજન્ટો દ્વારા હત્યાનો આરોપ લગાવ્યો હતો ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તનાવ વધ્યો હતો. આ મામલે ભારત સરકારે કહ્યું હતું કે જો કેનેડા તેને નિજ્જર હત્યા કેસની માહિતી આપશે તો તે કાર્યવાહી કરશે.
આરોપીઓની ઓન્ટારિયો અને આલ્બર્ટામાંથી ધરપકડ કરવામાં આવી
વાસ્તવમાં, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ ઈન્ટીગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી, જે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસની ટીમ છે. કેનેડા પોલીસે કમલપ્રીત સિંહ, કરણપ્રીત સિંહ અને કરણ બ્રારની હત્યા અને ષડયંત્રના આરોપમાં ધરપકડ કરી છે.
રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આરોપી વર્ષ 2021માં અસ્થાયી વિઝા પર કેનેડા પહોંચ્યો હતો. તેમાંથી કેટલાક પાસે સ્ટુડન્ટ વિઝા હતા પરંતુ કોઈએ કેનેડામાં અભ્યાસ કર્યો ન હતો. માનવામાં આવે છે કે ધરપકડ કરાયેલા લોકોની ઓન્ટારિયો અને આલ્બર્ટા પ્રાંતમાંથી ધરપકડ કરવામાં આવી છે.