ભાજપના નેતાઓની નિમણૂકને હાઈકોર્ટમાં પડકારતા એડવોકેટ સોલંકી

આજે એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેમાં જ્યારે કોઈ મુખ્યમંત્રીનું નામ પાર્ટી દ્વારા ડિકલેર કરવામાં આવે છે ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રીનું નામ પણ નક્કી કરાય છે,તાજેતરમાં ભાજપે આ પ્રકારે ડે.સીએમ નક્કી કર્યા છે તે સૌ કોઈ જાણે છે પણ શું આ પદ ગેરબંધારણીય છે? આ મામલો કોર્ટમાં પડકારવામાં આવ્યો છે જેથી લોકોની નજર હવે આ પદ ઉપર કોર્ટ શુ ફેંસલો આપે છે તેના ઉપર છે.

રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઓમ પ્રકાશ સોલંકીનું કહેવું છે કે ભારતના બંધારણમાં ડેપ્યુટી સીએમના કોઈ પદનો ઉલ્લેખ નથી. આ ભારતના બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. બંધારણમાં નાયબ મુખ્યમંત્રી જેવું કોઈ પદ નથી. આ રાજકીય હોદ્દો ગેરબંધારણીય છે. તેઓએ નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂક રદ કરવાની કોર્ટને અપીલ કરી છે.

રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઓમ પ્રકાશ સોલંકીએ શનિવારે દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનના દિયા કુમારી અને પ્રેમ ચંદ બૈરવાની ડેપ્યુટી સીએમ તરીકે નિમણૂક તેમજ શપથ ગ્રહણ બન્ને ગેરબંધારણીય અને કાયદાની વિરુદ્ધ છે. એડવોકેટ ઓમ પ્રકાશ સોલંકીએ પોતાની અરજીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્ર સરકારના સચિવ, મુખ્ય સચિવ, નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને પક્ષકાર બનાવ્યા છે.

હાઈકોર્ટના વકીલ સોલંકીએ તેમની અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘ભારતના બંધારણમાં ક્યાંય પણ ડેપ્યુટી સીએમનું કોઈ પદ નથી અને ન તો આ પદ પર નિમણૂકની કોઈ જોગવાઈ છે. બંધારણના અનુચ્છેદ 163 અને 164 હેઠળ, રાજ્યપાલની મંત્રી પરિષદની નિમણૂક ફક્ત મુખ્યમંત્રીની ભલામણ પર કરવામાં આવે છે અને શપથ માત્ર કલમ 163 હેઠળ લેવામાં આવે છે અને આમાં રાજ્યપાલ મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓ શપથ લે છે.

એડવોકેટ ઓમ પ્રકાશ સોલંકીએ કહ્યું કે, જોકે, શુક્રવારે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા, જ્યારે બંધારણ હેઠળ માત્ર મંત્રીઓ જ શપથ લઈ શકે છે. આવી સ્થિતિમાં ડેપ્યુટી સીએમનું પદ કાલ્પનિક છે અને બંને ડેપ્યુટી સીએમ દ્વારા લીધેલા શપથ ગેરબંધારણીય છે. તેથી, આ બંને પદો અને નિમણૂકોને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરવામાં આવે. એડવોકેટે તે વાત પણ કહી કે, સચિન પાયલટે પણ નાયબ મુખ્યમંત્રી પદના નહીં પરંતુ મંત્રી તરીકે શપથ લીધા હતા.  આમ,હવે કોર્ટ આ મામલે શુ ફેંસલો કરે છે તેની સામે સૌની મીટ મંડાઈ છે.