Australiaના વિદેશ મંત્રી પેની વોંગ દેશની પ્રથમ લેસ્બિયન મહિલા સાંસદ, લગભગ 20 વર્ષ સાથે રહ્યા બાદ તેણીએ પાર્ટનર સોફી એલોચ સાથે લગ્ન કર્યા, ઓસ્ટ્રેલિયામાં 2017માં સમલૈંગિક લગ્ન કાયદેસર બન્યા હતા
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ (Penny Wong) આ દેશની પ્રથમ લેસ્બિયન મહિલા સાંસદ છે. રવિવારે, વોંગે જાહેરાત કરી કે તેણે તેની પાર્ટનર સોફી એલોચ (Sophie Allouache) સાથે લગ્ન કર્યા છે. વાસ્તવમાં, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લગ્નના ડ્રેસમાં અને ફૂલોનો ગુલદસ્તો લઈને પોતાની અને તેણીના પાર્ટનર એલોચેની એક તસવીર શેર કરી છે. જેમાં તેણે લખ્યું હતું કે, “અમે ખુશ છીએ કે અમારો પરિવાર અને મિત્રો આ ખાસ દિવસ અમારી સાથે શેર કરી શકે છે.”
આ ખુશી વધે છે કારણ કે તેઓએ સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. જે બાદ 2017માં ઓસ્ટ્રેલિયામાં સમલૈંગિક લગ્ન કાયદેસર બન્યા હતા. તમને જણાવી દઈએ કે, 1997 સુધી તમામ રાજ્યોમાં સમલૈંગિકતાને અપરાધ જાહેર કરવામાં આવ્યા ન હતા. ધ સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ મુજબ, વોંગ અને એલોચે લગભગ બે દાયકાથી સાથે છે. બંનેએ શનિવારે એડિલેડમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ઘણા ઓસ્ટ્રેલિયન સરકારના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
લગ્નમાં દીકરીઓએ પણ હાજરી આપી હતી
આ સમારોહ દરમિયાન, દંપતીની પુત્રીઓ 11 વર્ષની એલેક્ઝાન્ડ્રા અને 8 વર્ષની હેન્ના પણ કાર્યક્રમમાં હાજર રહી હતી. તમને જણાવી દઈએ કે વોંગ અને તેણીના પાર્ટનરને આ દીકરીઓ IVF દ્વારા જન્મી હતી. 2017માં ઓસ્ટ્રેલિયામાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવામાં વોંગે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, આશ્ચર્યની વાત એ છે કે પેની વોંગ એક સમયે લેબર પાર્ટીની નીતિ મુજબ સમલૈંગિક લગ્નની વિરુદ્ધ હતા.
2002થી રાજકીય ઇનિંગ્સ શરૂ થઇ હતી
2002માં રાજનીતિમાં પ્રવેશેલી પેની વોંગે તાજેતરમાં સૌથી લાંબા સમય સુધી મહિલા કેબિનેટ મંત્રી પદ પર રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. વોંગના પિતા મલેશિયન હતા જ્યારે તેની માતા ઓસ્ટ્રેલિયાથી આવી હતી. તે 1976માં જ ઓસ્ટ્રેલિયા આવી હતી. તે સમયે વોંગની ઉંમર માત્ર 8 વર્ષની હતી.