એશિયા કપ 2022માં બુધવારે પાકિસ્તાન-અફઘાનિસ્તાન મેચ દરમિયાન આસિફ અલી અને ફરીદ અહેમદ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

બુધવારે રાત્રે એશિયા કપ 2022ની મેચમાં જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ખેલાડીઓ મેદાનમાં સામસામે આવી ગયા ત્યારે વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું. હાલત એવી હતી કે ગુસ્સામાં પાકિસ્તાની બેટ્સમેને અફઘાન બોલરને મારવા માટે બેટ પણ ઊંચક્યું હતું. આ દરમિયાન મારામારી પણ થઈ હતી. આ ગરમી મેચની અંતિમ ક્ષણોમાં જોવા મળી હતી.

વાસ્તવમાં, મેચ છેલ્લી ઓવરોમાં ખૂબ જ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ હતી. અફઘાનિસ્તાનના બોલરોએ સતત વિકેટો લઈને પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું હતું. 130 રનનો નાનો ટાર્ગેટ પણ પાકિસ્તાની બેટ્સમેનો માટે મોટો સાબિત થઈ રહ્યો હતો. 19મી ઓવરમાં અફઘાન બોલર ફરીદ અહેમદે આસિફ અલીના રૂપમાં પાકિસ્તાનની 9મી વિકેટ લઈને અફઘાનિસ્તાનની જીત લગભગ નક્કી કરી દીધી હતી. આ વિકેટ બાદ આસિફ અલી અને ફરીદ વચ્ચે લડાઈ થઈ હતી.

મેદાનની અંદર અને બહાર દર્શકો વચ્ચે લડાઇ
પાકિસ્તાન સામેની રોમાંચક હાર બાદ અફઘાન ચાહકો એટલા ગુસ્સે થઈ ગયા કે તેઓએ સ્ટેડિયમમાં જ તોડફોડ શરૂ કરી દીધી. આ દરમિયાન અફઘાન પ્રશંસકોએ પાકિસ્તાની દર્શકો પર ખુરશીઓ પણ ફેંકી હતી. માત્ર મેદાનમાં જ નહીં પરંતુ રોડ પર પણ બંને દેશના સમર્થકો એકબીજાની સામે આવી ગયા હતા.