વર્ષ 2013માં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં આસારામ હાલ જોધપુર જેલમાં છે બંધ, મંગળવારે સજાનું થશે એલાન
કોર્ટે બાકીના છ લોકો નિર્દોષ જાહેર
વર્ષ 2013ના સુરતની મહિલા સાથેના કેસમાં આસારામ બાપુને ગાંધીનગરની કોર્ટે દોષિત ઠેરવ્યા છે. સુરત આશ્રમમાં એક મહિલાના થયેલા શારીરિક શોષણનો આરોપ આસારામ બાપુ પર લાગ્યો હતો અને આખરે ગાંધીનગરની કોર્ટે તમામ પૂરાવા અને સાક્ષીઓની જુબાની બાદ આસારામ બાપુને દોષિત જાહેર કર્યા છે. હાલ આસારામ બાપુ જોધપુરના એક કેસમાં પહેલેથી જ જેલવાસ હેઠળ છે. ગાંધીનગર કોર્ટ મંગળવારે સાજનું એલાન કરશે .
ચુકાદાના પગલે ગાંધીનગર કોર્ટ સંકુલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કેસને સુરતથી ગાંધીનગર ટ્રાન્સફર કરાયો હતો. આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો થયા હતા. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની મહિલાના આક્ષેપ સાથે સંબંધિત છે. જેમાં મહિલાએ પોતાનું શારીરીક શોષણ થયાનો આરોપ મુક્યો હતો. 1997 થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે શારીરીક શોષણ થયું હોવાનો આરોપ છે.
આસારામને દુષ્ક્રમના અન્ય એક કેસમાં સજા પડી હોવાથી હાલ તે જોધપુર જેલમાં બંધ છે. ગાંધીનગર કોર્ટમાં તેમની સામે જે કેસ ચાલી રહ્યો છે તેમાં આસારામને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જેલમાં બંધ છે. થોડા સમય પહેલા તેમના દ્વારા જામીન પણ માગવામાં આવ્યા હતા. પરંતુ, કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી.