પાઇલટ ઇન કમાન્ડનું લાઇસન્સ 3 મહિના માટે રદ્દ, એર ઇન્ડિયાના નિર્ણય પર અસહમતિ
એર ઇન્ડિયાએ શંકર મિશ્રા પર 4 મહિનાનો મૂક્યો હતો પ્રતિબંધ
નિયમોના ઉલ્લંઘન બદલ DGCAએ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. ઉપરાંત, ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડનું લાઇસન્સ તેમની ફરજ બજાવવામાં નિષ્ફળતા માટે 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તે જ સમયે, એર ઈન્ડિયાના ડાયરેક્ટર-ઈન-ફ્લાઇટ સેવાઓ પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મહિલાએ શંકર મિશ્રાની કરી હતી ફરિયાદ, છતાં ન લેવાયા પગલા
આરોપી શંકર મિશ્રા પર આરોપ છે કે તેણે ન્યૂયોર્કથી નવી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશાની હાલતમાં એક પુખ્ત મહિલા પર પેશાબ કર્યો હતો. મહિલાએ આ અંગે ફ્લાઈંગ સ્ટાફને પણ ફરિયાદ કરી હતી. આમ છતાં આરોપીને સરળતાથી છોડી દેવામાં આવ્યો હતો. મહિલાએ એર ઈન્ડિયાની માલિકીની કંપની ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન સામે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ફરિયાદના આધારે દિલ્હી પોલીસે આરોપીની બેંગલુરુથી ધરપકડ કરી હતી.
તપાસ સમિતિના નિર્ણય પર સવાલ
એર ઈન્ડિયાએ આરોપોને લઈને એક તપાસ સમિતિની રચના કરી હતી, જેણે શંકર મિશ્રાને એરલાઈન્સમાં ચાર મહિના માટે ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સાથે જ આરોપીઓના વકીલનું કહેવું છે કે સમિતિનો નિર્ણય ખોટો છે. એડવોકેટ અક્ષત બાજપાઈએ કહ્યું કે, તપાસ સમિતિએ ભૂલથી માની લીધું કે બિઝનેસ ક્લાસમાં સીટ 9B છે, જ્યારે ક્રાફ્ટના બિઝનેસ ક્લાસમાં સીટ 9B નથી. માત્ર 9A અને 9C સીટો છે. તેમણે જણાવ્યું કે સમિતિએ અનિવાર્યપણે એવી શક્યતા ઊભી કરી છે કે તેમના ક્લાયન્ટે ત્યાં કથિત કૃત્ય (પેશાબ) કર્યું હતું.