અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા.10 મેના સ્ટેડિયમની અંદરની બાઉન્ડરી કૂદીને મહેન્દ્રસિંહ ધોની પાસે એક ચાહક છેક પિચ સુધી પહોંચી ગયો અને ધોનીના પગમાં પડ્યો ત્યારબાદ ભેટી પડ્યો આ દ્રશ્યોએ ખેલાડીઓની સુરક્ષા સામે સવાલ ઉભા કર્યા અને IPLની લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં બનેલી આ ઘટનામાં આખરે આ યુવક સામે ગુનો નોંધાયો છે.
સ્ટેડિયમમાં જડબેસલાક સિક્યોરિટી હોવાછતા આ યુવક ગ્રાઉન્ડની અંદર પહોંચી ગયો હતો અને ધોનીને પગે પડી ભેટી પડ્યો હતો.
જોકે આતો એક ચાહક હતો પણ કોઈ અન્ય કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ આપવા ત્રાહિત ઇસમ પણ જો આ રીતે ત્યાં સુધી પહોંચીને કોઈ ગંભીર ઘટનાને અંજામ આપે તો તેની જવાબદારી કોની એવા સવાલો પણ ઊભા થયા છે.
સ્ટેડિયમની અંદરની બાઉન્ડરી કૂદીને મહેન્દ્રસિંહ ધોની પાસે પહોંચી જવામાં સફળ રહેનાર યુવાનનું નામ જયકુમાર ભરતભાઈ જાની (ઉં.વ.21) (રહે. વસંત વિહાર સોસાયટી, ટોપ-3 સર્કલની પાછળ ભાવનગર) હોવાનુ સામે આવ્યું હતું.
તેણે જણાવ્યું કે તે ધોનીનો ચાહક છે અને ધોનીને મળવાની ઇચ્છા હતી, જેથી પોતે જાળી કૂદીને ગ્રાઉન્ડમાં દોડી ગયો હતો.
તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે તેના ભાઈ પાર્થ જાની સાથે ભાવનગરથી અમદાવાદ મેચ જોવા આવ્યો છે અને મેચની ટિકિટ તેના ભાઇ પાર્થના મોબાઇલ પરથી ઓનલાઇન બુક કરાવેલી હતી. ધોનીનો ફેન હોવાથી તેણે ચાલુ મેચ દરમિયાન જાળી કૂદીને ગ્રાઉન્ડમાં દોડી જઈ ધોનીને મળવાની ઈચ્છા પૂરી કરી હતી.

જોકે,આ મામલે ક્રાઇમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ વિંગના ભરતસિંહે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે આઈપીસી કલમ 447 હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગાઉ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવ્યા હતા, ત્યારેપણ એક ઓસ્ટ્રેલિયન નાગરિક સ્ટેડિયમમાં ઘૂસી જવાની ઘટના બની હતી ત્યારબાદ આ જ સ્ટેડિયમમાં આ બીજો બનાવ બન્યો છે.