PM મોદીએ પાવાગઢની પહાડી પર સ્થિત મા કાલિકા દેવીના શક્તિપીઠના નવનિર્મિત શિખર પર PM મોદીએ ધ્વજારોહણ કર્યું. પરંતુ ખાસ વાત એ છે કે લગભગ પાંચસો વર્ષ બાદ મંદિરની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

હજુ મહાકાળી મંદિરનો વધુ વિકાસ યથાવત્ રહેશે, 2000 લોકો સાથે એકસાથે કરી શકશે દર્શન, માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં, અપર સ્ટેશનથી દુધિયા તળાવ સુધી 500 નવા પગથિયાં

કેતન જોષી.નમસ્કાર ગુજરાત ન્યૂઝ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પંચમહાલ જિલ્લાના પાવાગઢ ટેકરી ખાતે કાલિકા માતાના પુનઃવિકાસિત મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે વડાપ્રધાને પ્રખ્યાત તીર્થસ્થળના શિખર પર ધ્વજ ફરકાવ્યો અને ત્યાં પ્રાર્થના કરી. પુનઃવિકાસિત મંદિરના લોકાર્પણ બાદ સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે પ્રખ્યાત મંદિર પર પાંચ સદીઓથી ધ્વજ લહેરાવવામાં આવ્યો ન હતો અને ભારતની આઝાદીના 75 વર્ષ દરમિયાન પણ કોઈએ તેની નોંધ લીધી ન હતી. અહીં મહાકાળી માતાના દર્શન કરીને PM મોદીએ વિકાસ કામોનું લોકાર્પણ કર્યુું હતું અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી.

પાંચ સદીઓ પછી મંદિરના શિખર પર ધ્વજ ફરકાવ્યો
પીએમ મોદીએ કહ્યું કે આજે મા કાલી મંદિરના શિખર પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. આ ક્ષણ આપણને પ્રેરણા અને ઉર્જા આપે છે અને આપણી મહાન સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે ભક્તિ સાથે જીવવા માટે પ્રેરણા આપે છે. પીએમે વધુમાં કહ્યું કે આ કાર્યક્રમ તેમના હૃદયને વિશેષ આનંદથી ભરી દે છે.ક્યારે સ્વપ્ન સંકલ્પ બની જાય છે અને જ્યારે સંકલ્પ સિદ્ધિના રૂપમાં આંખોની સામે હોય છે. તમે તેની કલ્પના કરી શકો છો. આજની ક્ષણ મારા હૃદયને વિશેષ આનંદથી ભરી દે છે.

ગર્ભગૃહને યથાવત્ રાખી સંપૂર્ણ નવું મંદિર
પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દુધિયા તળાવ સુધી 500 નવા પગથિયાં બનાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરાશે. સાથે જ દુધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે વિશાળ લિફ્ટ પણ બનાવવામાં આવશે. સાથે જ મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દુધિયા અને છાસિયા તળાવને જોડતા પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ થશે.