FIR માં ચંપત રાયનું નામ ન હોવાથી વિપક્ષના સવાલો, ‘મોટી માછલીઓને બચાવવા માટે માત્ર નાના કર્મચારીઓ પર એક્શન લેવાઈ’ – અખિલેશ યાદવ અને સંજય સિંહનો ભાજપ સરકાર પર પ્રહાર
અયોધ્યાના રામ મંદિરના દાન અને આભૂષણોની કથિત ચોરીના મામલામાં મોટું એક્શન લેવામાં આવ્યું છે. SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ના પ્રારંભિક અહેવાલના આધારે અયોધ્યા પોલીસે 8 નામજોગ અને ઘણા અજ્ઞાત આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ગંભીર કલમો હેઠળ FIR નોંધીને તમામ 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે, FIR ની ટાઇમિંગ અને આરોપીઓની યાદીને લઈને હવે મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે.
વિપક્ષ અને કેટલાક હિન્દુ સંગઠનોએ સવાલ ઉઠાવ્યા છે કે આ કેસમાં માત્ર નીચલા સ્તરના કર્મચારીઓને જ કેમ નિશાન બનાવાયા છે? વિપક્ષનો આરોપ છે કે ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય સહિતના મોટા હોદ્દેદારોના નામ જાણીજોઈને આરોપીઓની યાદીમાંથી ગાયબ રાખવામાં આવ્યા છે.
કયા 8 આરોપીઓની ધરપકડ કરાઈ?
FIR માં જે આઠ લોકોને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે, તેમાં રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ, અવિનાશ, મનીષ યાદવ, લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા, સુભાષ ચંદ્ર, કરુણેશ પાંડે અને રમાશંકર મિશ્રા સામેલ છે. આમાં સૌથી ચર્ચિત નામ રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવનું છે, જે રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયનો અત્યંત નજીકનો માણસ માનવામાં આવે છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ BNS ની કલમ 306 (નોકર કે ક્લર્ક દ્વારા ચોરી), 316(5) (મોટા પાયે ગુનાહિત વિશ્વાસઘાત/ગબન), 317(4) (ચોરીનો માલ રાખવો) અને કલમ 61 (ગુનાહિત ષડયંત્ર) જેવી ગંભીર કલમો લગાવવામાં આવી છે, જેમાં દોષિત સાબિત થવા પર આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.
વિપક્ષ અને ફરિયાદકર્તાના આકરા પ્રહારો
- અખિલેશ યાદવ (સપા પ્રમુખ): “ભાજપ રાજમાં અન્યાયની આ માત્ર ઝાંખી છે. નાની ડાળીઓને ફાંસી અને મુખ્ય શાખાઓને માફી આપવામાં આવી રહી છે. SIT ના બહાને પહેલા જ તમામ પુરાવા સાફ કરી દેવાયા હશે જેથી નક્કી કરી શકાય કે કઈ મોટી માછલીઓને બચાવવી અને કોને ફસાવવી.”
- સંજય સિંહ (AAP સાંસદ): “સેંકડો કરોડના જમીન કૌભાંડ અને દાનની ચોરીમાંથી ધ્યાન ભટકાવવા માટે ટ્રસ્ટે માત્ર થોડા કર્મચારીઓ વિરુદ્ધ FIR નોંધાવવાનું નાટક કર્યું છે. પ્રભુ શ્રી રામના મંદિરમાં ચોરી કરનારા ચંપત રાય અને તેમના સાથીઓ જેલ ક્યારે જશે?”
- સંતોષ દુબે (મુખ્ય ફરિયાદકર્તા): રામ મંદિર આંદોલનનો મુખ્ય ચહેરો અને આ કેસના ફરિયાદકર્તા સંતોષ દુબેએ સીધો આરોપ લગાવ્યો છે કે, “મંદિરમાં દાગીના અને રોકડની ચોરી માટે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સીધા જવાબદાર છે, છતાં FIR માં તેમના નામ નથી.”
ચંપત રાય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ છે. મંદિરના તમામ સંચાલન અને દાનની મુખ્ય જવાબદારી તેમના જ ખભા પર છે. હવે જોવાનું એ રહેશે કે શું SIT ના આગામી અહેવાલમાં આ મોટા હોદ્દેદારો પર કાનૂની ગાળિયો કસાશે કે નહીં.