બેંકો પર નવો લેવી ટેક્સ અને ચેરિટી નિયમોમાં મોટો ફેરફાર, ન્યુઝીલેન્ડ ધારણા કરતાં વહેલું નફા (Surplus) માં પરત ફરશે; ટેક્સના નિયમોમાં નવા ફેરફારો જાહેર

વેલિંગ્ટન: ન્યુઝીલેન્ડના નાણાં મંત્રી નિકોલા વિલિસે આજે દેશનું બજેટ 2026 રજૂ કર્યું છે, જેમાં મોંઘવારી સામે કોઈ કામચલાઉ લોકપ્રિય રાહતો આપવાના બદલે આર્થિક શિસ્ત પર ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રેઝરીના અદ્યતન અંદાજો અનુસાર, સરકાર ધારણા કરતાં એક વર્ષ વહેલા એટલે કે વર્ષ 2028-29 માં ફરીથી નફા (Surplus) માં પરત ફરશે. આ બજેટમાં હેલ્થ સેક્ટર માટે $5.8 અબજની નવી ફાળવણી, વરિષ્ઠ નાગરિકોના સુપરગોલ્ડ કાર્ડને સત્તાવાર ફોટો આઈડીમાં અપગ્રેડ કરવાની યોજના અને બેંકો પર નવો પ્રુડેન્શિયલ લેવી ટેક્સ લાદવા જેવા કેટલાક કડક અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

  • સરકારી ખાતા નફામાં: અગાઉની ધારણા કરતાં એક વર્ષ વહેલા, એટલે કે વર્ષ 2028-29 માં સરકારી ખાતાઓ ફરીથી નફા (Surplus) માં પરત ફરશે તેવો અંદાજ છે.
  • આરોગ્ય ક્ષેત્રે મોટું રોકાણ: આગામી સમયગાળા માટે હેલ્થ ઓપરેટિંગ ફંડિંગમાં $5.8 અબજની નવી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોડ: વાઇકાટો એક્સપ્રેસવે (Waikato Expressway SH1 – કેમ્બ્રિજથી પિયારેરે રોડ) ના વિસ્તરણ માટે $1.773 અબજ ફાળવાયા છે. આ સિવાય ખરાબ હવામાનમાં રસ્તાઓ ખુલ્લા રાખવા માટે સ્ટેટ હાઇવે રિઝિલિયન્સ પ્રોજેક્ટ્સ માટે $400 મિલિયન અલગ રાખવામાં આવ્યા છે.
  • કાયદો અને વ્યવસ્થા: જેલોમાં વધી રહેલી કેદીઓની સંખ્યાને મેનેજ કરવા માટે કરેક્શન વિભાગને $447 મિલિયન અને ફ્રન્ટલાઇન પોલીસ માટે $50 મિલિયન ફાળવવામાં આવ્યા છે.

સુપરગોલ્ડ (SuperGold) કાર્ડ ધારકો માટે મોટા સમાચાર

ન્યુઝીલેન્ડના વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) હવે તેમના સુપરગોલ્ડ કાર્ડનો ઉપયોગ સત્તાવાર સરકારી ઓળખપત્ર (Official ID) તરીકે કરી શકશે.

  • બજેટમાં આ ફોટો આઈડી કાર્ડ બનાવવા માટે આશરે $43 મિલિયનનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.
  • આ કાર્ડમાં ફોટોગ્રાફ અને અદ્યતન સિક્યોરિટી ફીચર્સ હશે, જેને બેંકો અને અન્ય સત્તાવાર સેવાઓ દ્વારા માન્ય રાખવામાં આવશે.
  • આ કાર્ડ ફિઝિકલ અને ડિજિટલ બંને વર્ઝનમાં ઉપલબ્ધ થશે. ફોટો વાળું આઈડી લેવું વૈકલ્પિક (Optional) રહેશે અને 65 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે આ કાર્ડ તદ્દન મફત રહેશે.

મોટરચાલકો માટે ભવિષ્યમાં સારા સમાચાર નથી

મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) ના યુદ્ધને કારણે ઇંધણના ભાવ પહેલેથી જ આસમાને છે, તેમ છતાં સરકારે આગામી વર્ષે ફ્યુઅલ એક્સાઇઝ ડ્યુટી (FED) અને રોડ યુઝર ચાર્જિસ (RUC) માં વધારો કરવાની શક્યતાઓને નકારી નથી. બજેટ દસ્તાવેજો દર્શાવે છે કે સરકાર વર્ષ 2027 માં આ ચાર્જિસમાં નિયમિત વધારો કરવાની જૂની પ્રથા પર પાછી ફરી શકે છે.

કોઈ ‘શુગર હિટ્સ’ (તાત્કાલિક સસ્તી રાહતો) નહીં

નાણાં મંત્રી નિકોલા વિલિસે બજેટમાં મોંઘવારી સામે તાત્કાલિક લોકપ્રિય રાહતો ન આપવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું કે:

“રાજકીય ફાયદા માટે એવી નકલી રાહતો આપવી કે જે આપણે પરવડી શકીએ તેમ નથી, તે ખોટું છે. આવી કામચલાઉ રાહતોથી માત્ર ફુગાવો (Inflation) વધશે અને દેશનો આર્થિક પાયો નબળો પડશે.”

ટ્રેઝરીના અંદાજ મુજબ આગામી વર્ષોમાં 220,000 નવી નોકરીઓનું સર્જન થશે અને લોકોની આવક મોંઘવારી કરતાં ઝડપથી વધશે.

ટેક્સ અને બેંકિંગ ક્ષેત્રે નવા ફેરફારો

  1. બેંકો પર નવો લેવી ટેક્સ (New Bank Profits Levy): બજેટમાં બેંકો, વીમા કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ પર નવો પ્રુડેન્શિયલ લેવી ટેક્સ જાહેર કરાયો છે. આ ટેક્સ દ્વારા આગામી 4 વર્ષમાં $209 મિલિયન એકત્ર કરાશે, જેનો ઉપયોગ રિઝર્વ બેંકની સેવાઓના ખર્ચ માટે થશે. આ ટેક્સ મોટી 4 બેંકોના કુલ નફાના 1% કરતાં પણ ઓછો હશે.
  2. ફ્રિન્જ બેનિફિટ ટેક્સ (FBT): ખાનગી વાહનો માટેના ફ્રિન્જ બેનિફિટ ટેક્સના નિયમો સરળ બનાવવામાં આવ્યા છે. લોગબુક રાખવાની જટિલ જરૂરિયાતો દૂર કરીને ‘close enough is good enough’ (આશરે અંદાજ પણ માન્ય) નો અભિગમ અપનાવાયો છે, જેથી બિઝનેસનો ટેક્સ ખર્ચ ઘટશે.
  3. ચેરિટી અને નોટ-ફોર-પ્રોફિટના નિયમોમાં ફેરફાર: સેવાભાવી સંસ્થાઓ (Charities) ટેક્સ ચૂકવ્યા વિના જે નેટ ઇન્કમ કમાઈ શકે છે તેની મર્યાદા $1,000 થી વધારીને $10,000 કરવામાં આવી છે. જોકે, ટેક્સ ક્રેડિટ મેળવવા માટે પાત્ર દાન (Eligible Donations) ની મર્યાદા વાર્ષિક $100,000 સુધી મર્યાદિત (Cap) કરવામાં આવી છે. આ સિવાય, દાતાઓ હવે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે રિફંડ મેળવી શકશે અથવા પોતાનું ટેક્સ ક્રેડિટ સીધું ચેરિટીને દાન કરી શકશે.