Aucklandમાં નોંધાયો પ્રથમ કેસ, 39 વર્ષીય પુરુષ સામે નવા કાયદા હેઠળ પ્રથમ કેસ; પીછો કરવા અને અયોગ્ય કૃત્ય કરવા બદલ ઓકલેન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરાશે
ન્યુઝીલેન્ડમાં લાગુ કરાયેલા નવા સ્ટૉકિંગ (Stalking) અને હેરાનગતિ (Harassment) વિરોધી કાયદા હેઠળ ઓકલેન્ડના એક પુરુષ સામે દેશનો સૌપ્રથમ ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મંગળવારથી જ અમલમાં આવેલા આ નવા કાયદા હેઠળ પોલીસને ‘સ્ટૉકિંગ એન્ડ હેરાનગતિ નોટિસ’ આપવાની અથવા ગુનાહિત ચાર્જ (આરોપ) દાખલ કરવાની મજબૂત સત્તાઓ મળી છે. ‘રેડિયો ન્યુઝીલેન્ડ’ (RNZ) દ્વારા જોવામાં આવેલા કોર્ટના દસ્તાવેજો અનુસાર, ઓકલેન્ડના એક 39 વર્ષીય પુરુષ પર મંગળવારે એક મહિલા સાથે “સતત અનિચ્છનીય સંપર્ક અને વાતચીત” કરીને તેને હેરાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ દસ્તાવેજોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ પુરુષે બે વર્ષના ગાળામાં ભોગ બનનાર મહિલાને ડર અથવા માનસિક તણાવ થાય તે રીતે બસમાંથી ઉતરીને તેનો પીછો કર્યો હતો અને અનિચ્છનીય સંપર્ક વધારવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત, તેની સામે મહિલા સાથે અશ્લીલ/અયોગ્ય કૃત્ય (Indecent act) કરવાનો પણ ચાર્જ લગાવવામાં આવ્યો છે. આ પુરુષને બુધવારે ઓકલેન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ગુનેગારોને કડક સંદેશ: પોલીસ વહેલી તકે પગલાં લેશે
પોલીસના એક્ટિંગ ડિરેક્ટર ઓફ પ્રિવેન્શન ઇન્સ્પેક્ટર નતાશા એલન એ પુષ્ટિ કરી છે કે પીડિતોના રક્ષણ માટે મળેલી સત્તાઓનો આ વહેલો ઉપયોગ છે.
તેમણે જણાવ્યું:
“પોલીસે પીડિતોને મદદ કરવા અને આવી હેરાનગતિને વધતી અટકાવવા માટે વહેલી તકે દખલ કરવા આ નવી સત્તાઓનો ઉપયોગ કર્યો છે. આનાથી પીડિતો અને ગુનેગારો બંનેને સ્પષ્ટ સંદેશ જવો જોઈએ કે પોલીસ આ કાયદાઓનું સખત અમલીકરણ કરશે. અમારી પાસે હવે ગુનેગારોને જવાબદાર ઠેરવવા માટે વધુ મજબૂત સાધનો છે અને અમે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ.”
આ નવા કાયદા હેઠળ સ્ટૉકિંગ (પીછો કરવો કે નજર રાખવી) ને એક ગંભીર ગુનો ગણવામાં આવ્યો છે, જેમાં ૫ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
નવો કાયદો શા માટે જરૂરી હતો?
ન્યુઝીલેન્ડના ન્યાય પ્રધાન (Justice Minister) પોલ ગોલ્ડસ્મિથ (Paul Goldsmith) એ જણાવ્યું હતું કે, “વર્ષોથી અમે ન્યુઝીલેન્ડની મહિલાઓ પાસેથી આવી ચોંકાવનારી વાર્તાઓ સાંભળી છે. પીછો કરવો એ ગંભીર ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક નુકસાન પહોંચાડે છે, છતાં અત્યાર સુધી આવા ગુનેગારો કોઈ ગંભીર કાનૂની સજા વિના બચી જતા હતા. આ યોગ્ય ન હતું. સ્ટૉકિંગ અને હેરાનગતિ એ અત્યંત ક્રૂર, દૂષિત અને ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે.”
તેમણે ઉમેર્યું કે આ કાયદા હેઠળ હવે જજ દ્વારા ગુનેગારની સજામાં આપવામાં આવતી છૂટછાટો (Discounts) ને મર્યાદિત કરીને મહત્તમ 40 ટકા કરી દેવામાં આવી છે. આ બિલ જ્યારે જસ્ટિસ કમિટી સમક્ષ હતું ત્યારે 600 થી વધુ લોકોએ પોતાના ભયાનક અનુભવો શેર કરીને આ કાયદો લાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
કાયદા હેઠળ કઈ બાબતોને ‘સ્ટૉકિંગ’ (ગુનો) ગણવામાં આવશે?
નવા કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ ૨ વર્ષના ગાળામાં નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓમાંથી કોઈ પણ બે કૃત્યો વારંવાર કરે, જેનાથી પીડિતને ડર કે તણાવ થાય, તો તેને ગુનો ગણવામાં આવશે:
- કોઈ વ્યક્તિ પર નજર રાખવી, તેનો પીછો કરવો, તેની આસપાસ ભમ્યા કરવું (Loitering) અથવા તેનો રસ્તો રોકવો.
- વ્યક્તિની પ્રવૃત્તિઓનું રેકોર્ડિંગ કરવું અથવા તેને ટ્રેક (લોકેશન ટ્રેકિંગ) કરવું.
- તેની મરજી વિરુદ્ધ સંપર્ક કરવો અથવા વાતચીત કરવાનો પ્રયત્ન કરવો.
- તેની મિલકત, કિંમતી વસ્તુઓ (Taonga) અથવા પાલતુ પ્રાણીઓને નુકસાન પહોંચાડવું, તેની ચોરી કરવી કે તેમાં દખલગીરી કરવી.
- વ્યક્તિની પ્રતિષ્ઠા, નોકરી-ધંધાની તકો અથવા તેના સંબંધોને નુકસાન પહોંચાડવું.
- વ્યક્તિ વિશે ખોટી અફવાઓ ફેલાવવી અથવા તેના નામે નકલી પ્રોફાઇલ બનાવીને પોસ્ટ મૂકવી (જેમાં ‘ડોક્સિંગ’ એટલે કે કોઈની ખાનગી માહિતી ઇન્ટરનેટ પર જાહેર કરવાનો પણ સમાવેશ થાય છે).
- કોઈ પણ એવું કૃત્ય કરવું જેનાથી એક સામાન્ય વ્યક્તિને ડર અથવા આઘાત લાગે.