પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને ભારતના અમિત મિશ્રાએ એવો જવાબ આપ્યો કે ટ્વિટર પર આફ્રિદી થયો ટ્રોલ
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી તેના ભારત વિરોધી નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા શાહિદ આફ્રિદીએ ભારતને પાકિસ્તાનનો દુશ્મન દેશ કહ્યો હતો. હવે આફ્રિદીએ પ્રતિબંધિત સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસીન મલિક વિશે બાલિશ ટ્વીટ કર્યું છે. જેનો ભારતના પૂર્વ લેગ સ્પિનરે જડબાતોડ જવાબ આપ્યો છે.
આફ્રિદીએ ટ્વીટર પર લખ્યું, ‘જે રીતે ભારત માનવાધિકાર ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવનારાઓને ચૂપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તે નિરર્થક છે. યાસીન મલિક સામેના મનઘડત આરોપો કાશ્મીરની સ્વતંત્રતા સંગ્રામને રોકશે નહીં. હું સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરું છું કે કાશ્મીરી નેતાઓ સામેના આવા અનૈતિક કાયદાકીય કાર્યવાહીની નોંધ લે.
આફ્રિદીના આ ટ્વિટનો લેગ સ્પિનર અમિત મિશ્રાએ જડબાતોડ જવાબ આપ્યો છે. અમિત મિશ્રાએ લખ્યું, ‘પ્રિય શાહિદ આફ્રિદી, તેણે કોર્ટરૂમમાં પોતાને દોષિત કબૂલ કર્યો છે. તમારા જન્મદિવસની જેમ બધું ભ્રામક ન હોઈ શકે. શાહિદ આફ્રિદી પહેલા પણ કાશ્મીર મુદ્દે વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક નિવેદન આપી ચૂક્યો છે.
શાહિદ આફ્રિદી પણ તેની ઉંમરને લઈને વિવાદોમાં રહે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અનુસાર, આફ્રિદીનો જન્મ 1 માર્ચ 1980ના રોજ થયો હતો, એટલે કે તેની ઉંમર 42 વર્ષની છે. વર્ષ 2019 માં, આફ્રિદીએ જાહેર કર્યું કે જ્યારે તેણે 1996 માં નૈરોબીમાં શ્રીલંકા સામે 37 બોલમાં રેકોર્ડ સદી ફટકારી ત્યારે તે 16 વર્ષનો નહોતો.