‘પુષ્પા 2’ અને ‘જવાન’ના રેકોર્ડ ધ્વસ્ત; ઈદના દિવસે બોલીવૂડના ઇતિહાસનું સૌથી મોટું કલેક્શન નોંધાયું, ટૂંકાગાળામાં જ 1000 કરોડને પાર પહોંચવાની શક્યતા
બોલીવૂડ ફિલ્મ ‘ધુરંધર 2’ એ રિલીઝના માત્ર ત્રણ દિવસમાં જ બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. આ ફિલ્મે શનિવાર સાંજ સુધીમાં ભારતમાં 300 કરોડ નેટ કલેક્શનનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે, જે એક અભૂતપૂર્વ સિદ્ધિ માનવામાં આવે છે. ઈદના તહેવારનો ભરપૂર લાભ મળતા શનિવારે ફિલ્મે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ કમાણી સાથે ‘ધુરંધર 2’ એ અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ (જેણે 5 દિવસમાં 300 કરોડ કર્યા હતા) અને શાહરૂખ ખાનની ‘જવાન’ (જેણે 6 દિવસમાં આ આંકડો સ્પર્શ્યો હતો) ના મોટા રેકોર્ડ્સને ધ્વસ્ત કરી દીધા છે.
ફિલ્મના કલેક્શનની વિગતો જોઈએ તો, શુક્રવારના અંત સુધીમાં આ ફિલ્મે કુલ 226 કરોડનું નેટ કલેક્શન મેળવ્યું હતું. જોકે, શનિવારે ઈદના સેલિબ્રેશનના કારણે ક્રેઝ એટલો વધ્યો કે સાંજ 7 વાગ્યા સુધીમાં જ ફિલ્મે વધારાના 80 કરોડથી વધુની કમાણી કરી લીધી હતી. મેટ્રો શહેરોથી લઈને નાના સેન્ટર્સ સુધી તમામ થિયેટરો ‘હાઉસફુલ’ જોવા મળી રહ્યા છે. સ્થિતિ એવી છે કે મોડી રાતના 11:55 ના શો પણ અત્યારે ફાસ્ટ-ફિલિંગ મોડમાં છે, જેના કારણે ફેન્સને પોતાની મનપસંદ સીટ મેળવવી પણ મુશ્કેલ બની ગઈ છે.
વર્ષ 2014 માં જ્યારે આમિર ખાનની ‘પીકે’ એ પહેલીવાર 300 કરોડની કમાણી કરી હતી, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ભવિષ્યમાં કોઈ ફિલ્મ માત્ર 3 દિવસમાં આ સિદ્ધિ હાંસલ કરી લેશે. ‘ધુરંધર 2’ એ ગુરુવારે જ 102 કરોડથી વધુનું કલેક્શન કરીને બોલીવૂડના ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ ડે આપ્યો હતો. હવે જે પ્રકારે શનિવારના આંકડા સામે આવી રહ્યા છે, તે જોતા સ્પષ્ટ છે કે આ ફિલ્મ બોલીવૂડના ઇતિહાસના તમામ જૂના પાનાઓ બદલી નાખવાના મૂડમાં છે અને ટૂંક સમયમાં જ 1000 કરોડના ક્લબ તરફ આગળ વધશે.