લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં સવારે 7 કલાકે મતદાન શરૂ થઇ ગયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તેઓએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ હતું.
મહત્વનું છે કે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 12 રાજ્યોમાં 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પીએમ મોદી રાણીપની નિશાન હાયર સેકન્ડરી સ્કૂલમાં મતદાન કર્યું ત્યારે સ્કૂલ બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જોકે, દરેક ચૂંટણીમાં પીએમ મોદી મતદાન કરવા અચૂક આવે છે જે ટ્રેન્ડ આ વખતે પણ યથાવત રહયો.
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 મેની મોડી રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતાં અને રાજભવનમાં રાત્રિ રોકાણ કર્યું હતું. મોદીના આગમનને પગલે તંત્ર દ્વારા અગાઉથી તમામ તૈયારી કરી દેવામાં આવી હતી. મતદાન બાદ મોદી અન્ય રાજ્યના ચૂંટણી પ્રચાર માટે નીકળી જશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, યુપીના ગવર્નર આનંદીબેન પટેલ અને મધ્યપ્રદેશના ગવર્નર મંગુભાઈ પટેલ પણ મોડી રાત્રે અમદાવાદ પહોંચી ગયા હતા.
દરમિયાન રાજ્યભરમાં લોકો મતદાન માટે બૂથ પર પહોંચવા લાગ્યા હતા અને સવારથી જ લાઇનો જોવા મળી હતી. સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લેતા સુરત સિવાયની ગુજરાતમાં લોકસભાની 25 બેઠક પર આજે મતદાન શરૂ છે.
લોકસભાની 25 બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન ચાલુ છે.