કોવિડ રસી ઉત્પાદક એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે દુર્લભ કિસ્સાઓમાં રસી લેનાર કેટલાક લોકોમાં આડઅસર થઈ શકે છે, જે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) સાથે થ્રોમ્બોસિસનું જોખમ વધારે છે.
આ સમાચાર સામે આવ્યા બાદ લોકોના મનમાં ગભરાટ જોવા મળી રહ્યો છે ખાસ કરીને એવા લોકો કે જેમણે કોવિશિલ્ડ રસી લીધી છે આવા લોકોને ચિંતા છે કે શું આ રસી તેમને હાર્ટ એટેક કે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધારશે?
એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ કોર્ટમાં સ્વીકાર્યું છે કે દુર્લભ સંજોગોમાં આ રસીઓ ‘ટીટીએસ’ ડિસઓર્ડરનું જોખમ વધારી શકે છે જે શરીરમાં લોહીના ગંઠાવાનું કારણ બને છે.
મહત્વનું છે કે ભારતમાં મોટાભાગના લોકોને એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ રસી લીધી છે,આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ ‘ટીટીએસ’ની સમસ્યા શું છે અને જેઓને આ રસી અપાઈ છે તેમને ખરેખર હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ વધી ગયું છે? ચાલો આખી વાતમાં તજજ્ઞોનું શુ કહેવુ છે તે જાણીએ.
કોવિશિલ્ડ રસીની આડઅસર વિશે મેડીકલ ફિલ્ડના તજજ્ઞોના અભિપ્રાય મુજબ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે રસીની અસર થોડાજ મહિનાઓ બાદ શરીરમાં ઓછી થવા લાગે છે અને જે લોકોએ બૂસ્ટર ડોઝ લીધો હોય તેમને પણ દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો હોય, આવી સ્થિતિમાં ડરવાની અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
રસીની આડઅસર દુર્લભ પરિસ્થિતિઓમાં થઈ શકે છે, તેથી એવું જરૂરી નથી કે તમામ લોકો માટે જોખમ હોય.
ખરેખર તો દવાઓ અને રસીની આડઅસર તરત જ જોવા મળે છે અને કોઈપણ પ્રકારની રસીમાં આડઅસર થવાનું જોખમ એકથી બે ટકા હોઈ શકે છે.
Covishield ને કારણે ‘TTS’ ની સમસ્યા પણ આવી જ હોઈ શકે છે.
થ્રોમ્બોસિસ અને થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ એ COVID-19 રસીઓ સાથે સંકળાયેલ એક દુર્લભ જટિલતા માનવામાં આવે છે.
લોહીના ગંઠાવાની સ્થિતિ માટે ડૉક્ટરો “થ્રોમ્બોસિસ” શબ્દનો ઉપયોગ કરે છે, જે રક્ત વાહિનીને અવરોધિત કરી શકે છે, કેટલીકવાર તે શરીરના કેટલાક ભાગોમાં લોહીના પ્રવાહને અવરોધે છે.
થ્રોમ્બોસાયટોપેનિયા ત્યારે થાય છે જ્યારે વ્યક્તિની પ્લેટલેટની સંખ્યામાં ઘટાડો થાય છે.
પ્લેટલેટ્સ રક્તના મહત્વપૂર્ણ ઘટકો છે જે રોગપ્રતિકારક પ્રતિભાવમાં મદદ કરે છે.
◆ TTS ના લક્ષણો શું છે ? જાણો
ડોક્ટર્સનું કહેવું છે કે, TTSને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે, જેમાં કેટલીક પરિસ્થિતિઓમાં ઈમરજન્સી મેડિકલ હેલ્પની પણ જરૂર પડી શકે છે, નીચે જણાવેલી અસરો જોવા મળે છે.
●સતત છાતીમાં દુખાવો અથવા માથાનો દુખાવો થવો.
●ઉબકા અને ઉલ્ટીની સમસ્યા.
● લોહી ગંઠાવાનું શરૂ થવાના કારણે હૃદયમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ શકે છે જેના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
●લોહી ગંઠાઈ જવાને કારણે મગજમાં લોહીનો પ્રવાહ પણ ઓછો થઈ શકે છે, જેના કારણે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ ઉભું થાય છે.
(આ લેખ મેડિકલ રિપોર્ટ્સમાંથી એકત્રિત કરવામાં આવેલી માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે)