ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અગાઉ સુરત લોકસભાની બેઠક ઉપર જે ડ્રામા થયો તે જનતા જનાર્દનમાં આજના રાજકારણની છેલ્લી કક્ષાની રાજનીતિ જોવા મળી હોવાનો સૂર છે. સુરત બેઠક કોંગ્રેસે ચૂંટણી પહેલા જ ગુમાવવાનો વારો આવ્યો છે અને આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે જો તમામ ફોર્મ ખેંચાયતો ભાજપના ઉમેદવાર બિન હરીફ ચૂંટાઈ શકે છે જે આજે ત્રણ વાગ્યે નક્કી થઈ જશે.
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો છેલ્લી ઘડીએ ફરી જતા કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે.
કોંગ્રેસ હવે આ મામલો હાઈકોર્ટમાં લઇ જશે.
આ આખા ઘટનાક્રમમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને નવસારીના ઉમેદવાર નૈષધ દેસાઈ આક્ષેપો કરીને ભાજપે સત્તાનો દુરોપયોગ કર્યાની વાત કરી છે.
સુરતમાં હવે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી લડી નહિ શકે.
કારણ કે કલેક્ટર કચેરીમાં રજૂઆત સમયે ચારેય ટેકેદારો ફરી ગયા છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો ત્યારે નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી.
ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઊઠ્યો હતો કે શું આ ફોર્મ રદ્દ થશે? નિલેશ કુંભાણીમાં ટેકેદારોમાં એક તો તેમના બનેવી રમેશ સાવલિયા જ હતા, તો આખરે એવુ તો શું થયું કે રમેશ સાવલિયા ફરી ગયા.
કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ જ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે. કેમ કે નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મમાં જે ટેકેદારોએ સહી કરી હતી, એ જ ટેકેદારોએ ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે કે આ સહી તેમની નથી. જેને લઈને આ વિવાદ શરૂ થયો છે. તો નિલેશ કુંભાણીની સાથે સાથે આ બેઠક પર કોંગ્રેસના ડમી ઉમેદવારોના ટેકેદારોની સહીને લઈને પર પણ સવાલ ઉઠ્યા છે.
હવે સવાલ એ થાય કે તા.17 એપ્રિલ સુધી બનેવી-મિત્રએ સોશિયલ મીડિયામાં પ્રચાર-પ્રસાર પણ કર્યો હતો અને ફોર્મ ભરાતા જ ટેકો કેમ ખેંચ્યો તે અંગે સવાલ ઉઠ્યા છે અને આયોજનબદ્ધ રીતે ગેમ પ્લાન બનાવ્યો હોવાની ચર્ચા ઉઠવા પામી છે.
હવે જે વાત ચર્ચામાં છે તે મુજબ સુરતમાં કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપની અપક્ષ સહિત નાની પાર્ટીના આઠ ફોર્મ પાછા ખેંચવાની કવાયત શરૂ થઈ છે અને પાંચ તો માની ગયા હોવાનું પણ કહેવાય છે.
સુરત લોકસભાની બેઠક પરથી જે કોઈ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોય તેમના ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે,આવામાં કોંગ્રેસના મુખ્ય ઉમેદવાર અને ડમી ઉમેદવાર બન્નેના ફોર્મ રદ થતાં તેઓ અપક્ષ ઉમેદવારને બહારથી ટેકો આપી શકે તેઓ ઓપશન બચ્યો છે પણ જો અપક્ષ ઉમેદવારો પણ મેદાન છોડે તો તેનો સીધો ફાયદો ભાજપના ઉમેદવાર સુરેશ દલાલને થઈ શકે છે.
આવામાં તેઓ સુરતથી ગુજરાતમાં બિનહરીફ ચૂંટાઈ શકે તેવા પહેલા ઉમેદવાર બની શકે છે.
સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિશે આપને જણાવી દઈએ કે તેઓ મોઢ વણિક સમુદાયમાંથી આવે છે. તેઓ ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડના પૂર્વ ચેરમેન છે અને સીઆર પાટીલના નજીકના ગણાય છે. તેઓ કોમર્સ અને એલએલબી, એમબીએ (ફાઇનાન્સ)માં સ્નાતક છે. તેઓ 1981 થી ભાજપમાં સક્રિય છે અને 2005 થી 2020 દરમિયાન અડાજણ-પાલ-પાલનપોર વિસ્તારમાંથી ત્રણ ટર્મ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર રહી ચૂક્યા છે,પાંચ ટર્મ તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.
સાડા ત્રણ વર્ષથી તેઓ સુરત મહાનગરપાલિકાના મહામંત્રી તરીકે નિયુક્ત રહ્યા છે.
મુકેશ દલાલ સુરત શહેર ભાજપ મહાસચિવ અને SDCA સમિતિના સભ્ય છે.
હવે તેઓ માટે બિન હરીફ ચૂંટાવાના ચાન્સ વધ્યા છે અને જે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દીને 3 વાગ્યા બાદ ક્લીઅર થઈ જશે.