કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર ભારત દ્વારા ઘોષિત આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સંબંધિત તપાસના અપડેટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું કે તેઓ આ મામલાની ભારત સરકાર સાથે તપાસમાં જોડાવા માંગે છે.
ટ્રુડોને જ્યારે કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસમાં ભારતના સહયોગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, કેનેડિયન ભૂમિ પર કેનેડિયન નાગરિકની હત્યા એવી બાબત છે જેને ખૂબ ગંભીરતાથી લઈ રહયા છીએ.
તેમણે ઉમેર્યું,આ હત્યામાં “ભારતીય એજન્ટો સંડોવાયેલા હોવાના વિશ્વસનીય આરોપો છે જે ગંભીર બાબત છે એને અમે હળવાશથી લીધા નથી.
વિદેશી સરકારોના ગેરકાયદેસર પગલાં સામે તમામ કેનેડિયનોને બચાવવાની અમારી જવાબદારી છે.”
અગાઉ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારત સરકારનો હાથ છે.
જો કે ભારતે આ આરોપોને ફગાવી દીધા હતા.
જેના કારણે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો બગડ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, આ મહિને એક વીડિયો બહાર આવ્યો હતો જેમાં નિજ્જરને કોન્ટ્રાક્ટ કિલર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 2020 માં ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સીએ નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો.
ગયા વર્ષે જૂનમાં બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારા પાસે તેને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.