લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને આજે એક જ દિવસમાં બે મોટા ઝટકા લાગ્યા છે.
આજે રાજુલાના પૂર્વ MLA તેમજ મોટા નેતા અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધા બાદ હવે પોરબંદરના કોંગ્રેસ MLA અર્જુન મોઢવાડીયાએ ધારાસભ્ય પદેથી રાજુનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર જાગી છે.

કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડીયાએ આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને પોતાનું રાજીનામુ સુપ્રત કર્યું છે.
કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યા બાદ હવે અર્જુન મોઢવાડીયા ભાજપમાં જોડાઈ જશે અને પોરબંદર બેઠક પરથી પેટાચૂંટણી લડનાર હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

અર્જુન મોઢવડિયા છેલ્લા ઘણાજ સમયથી કોંગ્રેસ છોડશે તેમ મનાતું હતું અને તાજેતરમાં જ અર્જુન મોઢવાડિયા ભગવાન રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો બહિષ્કાર કરવાના કોંગ્રેસના નિર્ણયનો જાહેરમાં વિરોધ કર્યો હતો, તેમણે તે વખતે X પર લખ્યું હતું કે, ‘ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.’ 
અર્જુન મોઢવડિયા જૂના કોંગ્રેસના નેતાઓ પૈકીના એક છે.
તેઓ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા રહી ચૂક્યા છે.
તેઓ લોકોમાં સારી એવી પકડ ધરાવતા નેતા છે અને 2022ની ચૂંટણીમાં ભાજપ તરફી જોરદાર લહેર વચ્ચે પણ તેઓ પોતાની બેઠક બચાવી રાખવામાં સફળ થયા હતા. 
ત્યારે આજે કોંગ્રેસના બે મોટા નેતાઓએ કોંગ્રેસને છોડી દેતા કોંગ્રેસમાં રાહુલની યાત્રા પહેલા મોટા ઝટકા લાગ્યા છે.